<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

જામનગરના મોટી ખાવડીમાં એસ.ઓ.જી. પોલીસનો સપાટો : હોટલના રૂમમાં દરોડો પાડી ૮૩ લાખથી વધુની કિંમતના હેરોઈન સાથે પંજાબના ચાર શખ્સો ઝડપાયા

“No Drugs In Jamnagar" અભિયાન હેઠળ પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શનમાં મોટી કાર્યવાહી : હોટલ ૬૬૬ માંથી ૪૧૮ ગ્રામ માદક પદાર્થ, રોકડ અને મોબાઈલ સહિત કુલ ૮૪.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, તા. 7 ફેબ્રુઆરી : જામનગર - ખંભાળીયા હાઈવે રોડ પર આવેલા મોટી ખાવડી ગામ પાસે જામનગર એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેર અને જિલ્લામાં યુવાધનને બરબાદ કરતા નશાના કારોબાર પર રોક લગાવવા માટે શરૂ કરવામાં આવેલા “No Drugs In Jamnagar" અભિયાન અંતર્ગત પોલીસે બાતમીના આધારે પંજાબના ચાર ઈસમોને હેરોઈનના મોટા જથ્થા સાથે રંગેહાથ પકડી પાડ્યા છે.
બાતમીના આધારે હોટલમાં દરોડો:
પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની તેમજ આઈ.સી. પોલીસ અધિક્ષક પ્રતિભા દ્વારા નશીલા પદાર્થના વેપાર પર રોક લગાવવા સૂચના આપવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી.ખેરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઇ ડોરીયા, મયુરરાજસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ ફિરોજભાઇ ખફી, બળભદ્રસિંહ જાડેજા અને ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવને ચોક્કસ બાતમી મળી હતી કે મોટી ખાવડી ગામની ‘હોટલ ૬૬૬’ ના રૂમ નંબર ૨૦૨ માં પંજાબથી આવેલા કેટલાક શખ્સો માદક પદાર્થ સાથે રોકાયા છે.
૮૪.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત:
બાતમીવાળા સ્થળે પોલીસે રેઈડ કરતા ત્યાંથી પંજાબના વતની એવા ચાર શખ્સો મળી આવ્યા હતા. તેમની પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઈન ૪૧૮ ગ્રામ મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજે ૮૩,૬૦,૦૦૦/- રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, સાત મોબાઈલ ફોન અને વજન કાંટો પણ કબજે કર્યો છે. હેરોઈન અને અન્ય ચીજવસ્તુઓ મળીને પોલીસે કુલ ૮૪,૧૪,૦૦૦/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલા આરોપીઓના નામ:
પોલીસે આ કેસમાં પંજાબના મૂળ રહેવાસી એવા નીચે મુજબના ચાર આરોપીઓની ધરપકડ કરી છે:
૧. વિશાલસિંઘ જસવિરસિંઘ મટુ
૨. હરપ્રિતસિંઘ તેગાસિંઘ મજવી
૩. બિક્રમજીતસિંઘ અમરજીતસિંઘ મજવી
૪. જગદિપસિંઘ ઉર્ફે જગ્ગી લખબીરસિંઘ ખેહરા
કાયદેસરની કાર્યવાહી:
પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. (N.D.P.S.) એક્ટની કલમ ૮(સી), ૨૨(સી) અને ૨૯ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી. ઇન્સ્પેક્ટર બી.એન. ચૌધરી, સબ ઇન્સ્પેક્ટર એ.વી.ખેર, પી.પી.જાડેજા તેમજ સ્ટાફના રાયદેભાઈ ગાગીયા, તોસીફભાઈ તાયાણી, લાલજીભાઈ રાતડીયા અને કુલદિપસિંહ સોઢા જોડાયા હતા. હાલ પોલીસે આ નશીલા પદાર્થો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને જામનગરમાં કોને સપ્લાય કરવાના હતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

(10:01 AM IST)