News of Saturday, 7th February 2026
ટંકારા પોલીસે ગજડી ગામની સીમમાં કોપર વાયર ચોરનાર બેને ઝડપી લીધા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૭: તાલુકાના ગજડી ગામે ખેડૂતોની વાડીમાંથી કોપર વાયરની ચોરી કરનાર બે તસ્કરોને ટંકારા પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી વાયર, મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૫૨,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. છાસીયાના માર્ગદર્શન હેઠળ ડી-સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ગજડી ગામ પાસે એક મોટરસાયકલ પર બે શખ્સો પ્લાસ્ટિકનું બાચકું લઈને નીકળતા પોલીસને શંકા ગઈ હતી. પોલીસે તેમને અટકાવી તલાસી લેતા બાચકામાંથી રતાશ પડતા કોપર વાયરના ગુંચળા મળી આવ્યા હતા. પકડાયેલા શખ્સો પાસે વાયર અંગેના કોઈ બિલ કે આધાર પુરાવા નહોતા. શરૂઆતમાં ગલ્લા-તલ્લા કર્યા બાદ, પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા તા.૦૨/૦૨/૨૦૨૬ થી ૦૩/૦૨/૨૦૨૬ દરમિયાન રાત્રીના સમયે ગજડી ગામના અલગ-અલગ વાડી વિસ્તારમાંથી આ કેબલની ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે આરોપી પારસીંગ મંગુભાઈ ડામોર (ઉ.વ.૩૪, રહે.હાલ ગજડી, મૂળ એમ.પી. ચોટીયા બયડી તા જોબટ) તથા અનીલ ગુમાનભાઈ પસાયા (ઉ.વ.૨૪, રહે.હાલ ગજડી, મૂળ એમ.પી. તેજારીયા તડવી તા કાલીદેવી જામ્બુવા)ની ધરપકડ કરી હતી.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
