<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળામાં 'VIP કલ્ચર' હટાવવાની માંગ સાથે કોંગ્રેસે રણશિંગુ ફૂંક્યું :ઉગ્ર સૂત્રોચ્ચાર અને ધરણા

મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ST બસની મુસાફરી ફ્રી કરવા માંગ કરી :કોંગ્રેસના કાર્યકરોએ "VIP કલ્ચર બંધ કરો" અને "યાત્રિકોની હેરાનગતિ રોકો" ના નારા લગાવી વાતાવરણ ગજવી દીધુ

જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળા પૂર્વે જ આસ્થાના આ મેળામાં 'VIP કલ્ચર' હટાવવાની માંગ સાથે કોંગ્રેસે રણશિંગુ ફૂંક્યું છે. ભવનાથ ક્ષેત્રમાં સામાન્ય શ્રદ્ધાળુઓને પડતી મુશ્કેલીઓ અને VIP મહેમાનો માટેની વિશેષ સુવિધાઓ સામે વિરોધ પ્રદર્શિત કરી કોંગ્રેસ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર અને ધરણા કરવામાં આવ્યા હતા.

 

જૂનાગઢમાં યોજાનારા આગામી મહાશિવરાત્રિ મેળાના આયોજનને લઈ વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાની આગેવાનીમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ "VIP કલ્ચર બંધ કરો" અને "યાત્રિકોની હેરાનગતિ રોકો" ના નારા લગાવી વાતાવરણ ગજવી દીધું હતું. વિરોધ કરી રહેલા નેતાઓનું કહેવું છે કે, મેળામાં આવતા VIP લોકોના કારણે સામાન્ય ભાવિકોને કલાકો સુધી રોકી રાખવામાં આવે છે અને તેમને દર્શન કે અવરજવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે, જે સનાતન પરંપરાની વિરુદ્ધ છે.

 

કોંગ્રેસે આ મેળાના સફળ આયોજન માટે કેટલીક મહત્વની માંગણીઓ સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ મૂકી છે. જેમાં મુખ્યત્વે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ST બસની મુસાફરી ફ્રી કરવા માંગ કરી છે. આ ઉપરાંત, મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની સેવા માટે ચાલતા અન્નક્ષેત્રોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની હેરફેર માટે વાહનોને સરળતાથી પાસ મળી રહે તેવી વ્યવસ્થા કરવા પર ભાર મૂક્યો છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું હતું કે જો અન્નક્ષેત્રોને અવરજવરમાં તકલીફ પડશે તો તેની સીધી અસર ભાવિકોની સુવિધા પર પડશે.

 

પરંપરાગત રીતે યોજાતા આ મેળામાં કોઈ પણ પ્રકારના વિશેષ VIP પ્રોટોકોલને સ્થાન ન હોવું જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે. વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, જો મેળા દરમિયાન પણ VIP કલ્ચર ચાલુ રહેશે અને સામાન્ય જનતાને હેરાન કરવામાં આવશે, તો ચાલુ મેળા દરમિયાન જ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સનાતનની પરંપરા મુજબ દરેક શ્રદ્ધાળુ સમાન છે અને તે જ ભાવ સાથે મેળાનું સંચાલન થવું જોઈએ તેવી તેમની સ્પષ્ટ માંગ છે. મહાશિવરાત્રિનો મેળો જૂનાગઢની શાન છે અને તેમાં દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આવા સમયે પોલીસ બંદોબસ્ત અને VIP મૂવમેન્ટના નામે સામાન્ય લોકોના રસ્તાઓ બંધ ન કરવામાં આવે તેવી લાગણી ભક્તોમાં પણ જોવા મળી રહી છે. અત્યારે તો કોંગ્રેસના આ વિરોધે વહીવટી તંત્રને મેળાના આયોજન અંગે ગંભીરતાથી વિચારવા મજબૂર કર્યું છે.

(8:07 PM IST)