<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

ગિરનારની તળેટીમાં હવે 'હર હર મહાદેવ'નો નાદ ગુંજવા લાગ્યો: સાધુ-સંતો અને દિગંબર નાગા સન્યાસીઓના આગમનથી વાતાવરણ ભક્તિમય બન્યું

ગિરનારની ગોદમાં આવેલા વિવિધ અખાડાઓ અને આશ્રમોમાં સાધુઓએ પોતાની ધૂણીઓ ધખાવવાનું શરૂ કરી દીધું : ભવનાથ ક્ષેત્રમાં શંખનાદ, ડમરુના ગુંજારવ અને ભજન-ભોજનની સરવાણી વહેતી થઈ

જૂનાગઢની પવિત્ર ગિરનારની તળેટીમાં હવે 'હર હર મહાદેવ'નો નાદ ગુંજવા લાગ્યો છે. આગામી ૧૧ ફેબ્રુઆરીથી શરૂ થનારા મહાશિવરાત્રીના મિની કુંભ મેળા માટે ભવનાથ ક્ષેત્ર તૈયાર થઈ ગયું છે. સાધુ-સંતો અને દિગંબર નાગા સન્યાસીઓના આગમનથી વાતાવરણ દિવ્ય અને ભક્તિમય બની ગયું છે, જે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.

    મહાશિવરાત્રીના મેળાના વિધિવત પ્રારંભને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દેશના ખૂણેખૂણેથી સાધુ-સંતોનું જૂનાગઢમાં આગમન થઈ ચૂક્યું છે. ગિરનારની ગોદમાં આવેલા વિવિધ અખાડાઓ અને આશ્રમોમાં સાધુઓએ પોતાની ધૂણીઓ ધખાવવાનું શરૂ કરી દીધું છે. આ વર્ષે મેળામાં સાધુ-સંતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ધૂણી પાસે બેસીને તપ, જપ અને સાધનામાં લીન સંતોના દર્શન માટે અત્યારથી જ ભાવિકો ઉમટી પડ્યા છે. 

  મેળાના પાંચ દિવસ દરમિયાન સાધુ-સંતો ભગવાન ભવનાથ મહાદેવ અને ગુરુદત્ત ભગવાનના ધ્યાનમાં મગ્ન રહેશે. ખાસ કરીને દિગંબર સાધુઓ, જેઓ આ મેળાનું મુખ્ય આકર્ષણ હોય છે, તેઓ પોતાની અનોખી સાધના પદ્ધતિથી વાતાવરણને આધ્યાત્મિક બનાવશે. ભવનાથ ક્ષેત્રમાં શંખનાદ, ડમરુના ગુંજારવ અને ભજન-ભોજનની સરવાણી વહેતી થઈ છે. સંતોની સેવા અને દર્શનનો લાભ લેવા માટે રાજ્યભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચશે તેવી અપેક્ષા છે.

    રાજ્ય સરકાર અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વર્ષના મેળાને 'મિની કુંભ' તરીકે ભવ્યાતિભવ્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. યાત્રાળુઓ માટે પીવાના પાણી, વીજળી, રહેઠાણ અને ટ્રાફિક વ્યવસ્થાના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેળાના રૂટ પર સફાઈ અને સુરક્ષા માટે ખાસ પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે. આ વર્ષે મેળામાં ડિજિટલ સુવિધાઓ અને મોટા એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવશે જેથી ભક્તો મેળાના વિવિધ કાર્યક્રમો નિહાળી શકે. મહાશિવરાત્રીના મેળાનું સમાપન શિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળતા ભવ્ય રવેડી અને મૃગી કુંડમાં શાહી સ્નાન સાથે થશે. સાધુ-સંતોના આ રવેડીમાં જોડાવા માટે લાખોની સંખ્યામાં માનવ મેદની ઉમટશે. ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ મેળો માત્ર ઉત્સવ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની એકતાનું પ્રતીક છે.

(5:07 PM IST)