<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

ભાવનગરના સિહોરમાં ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરતી યુવતીનો સ્ટેશન પર તૈનાત પોઈન્ટ્સમેને જીવ બચાવ્યો

યુવતી ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જવાની આરે હતી.ત્યારે પોઇન્ટસમેને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના તાત્કાલિક દોડીને યુવતીને ખેંચી લીધી અને તેને સુરક્ષિત રીતે પ્લેટફોર્મ પર લઈ આવ્યો

ભાવનગર : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા સિહોર જંક્શન રેલવે સ્ટેશન પર 08 ફેબ્રુઆરી, 2026 (રવિવાર)ની સવારે સતર્કતા અને સાહસની એક પ્રેરણાદાયક ઘટના જોવા મળી. ચાલતી ટ્રેન નંબર 59229 બોટાદ–ભાવનગર દૈનિક પેસેન્જર પરથી ઉતરતી વખતે સંતુલન ગુમાવી પડી રહેલી એક યુવતીનો જીવ સ્ટેશન પર તૈનાત સતર્ક પોઈન્ટ્સમેને પોતાની ઝડપી કાર્યવાહીથી બચાવ્યો હતો.

આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજ અનુસાર, એક યુવતી ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જવાની આરે હતી. જોકે, પોઈન્ટ્સમેને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના તાત્કાલિક દોડીને યુવતીને ખેંચી લીધી અને તેને સુરક્ષિત રીતે પ્લેટફોર્મ પર લઈ આવ્યો હતો. આ સમયસૂચક બચાવ કાર્યને કારણે યુવતીનો જીવ બચી ગયો, અને આ સાહસિક કાર્યની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું કે, યુવતી ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી, તે દરમિયાન તેનું સંતુલન બગડ્યું હતું. ઘટનાસ્થળે ફરજ પર હાજર પોઈન્ટ્સમેન રાજકુમારે પોતાની સતર્કતા અને સમજદારી દાખવીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી, જેના પરિણામે એક અકસ્માત ટાળી શકાયો હતો. આ ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા અને પ્લેટફોર્મ પર હાજર અન્ય મુસાફરો પણ સ્તબદ્ધ થઈ ગયા હતા.

આ ઘટના ચાલતી ટ્રેનોમાં ચઢવા કે ઉતરવાના સમયે થતા જોખમોને સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે. રેલવે સ્ટેશનો પર ઘણી વખત આવી બેદરકારીને કારણે અકસ્માતો સર્જાય છે, જ્યારે મુસાફરો ટ્રેન સંપૂર્ણ રીતે અટકે તે પહેલાં ઉતરવાનો અથવા ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરે છે. ઘણી વખત ભારે સામાન સાથે ચઢવા-ઉતરવાથી સંતુલન બગડે છે અને ગંભીર દુર્ઘટનાઓ બને છે.

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ પોતાની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને ક્યારેય પણ ચાલતી ટ્રેનમાં ચઢવા કે ઉતરવાનો પ્રયાસ ન કરે. ટ્રેન સંપૂર્ણ રીતે અટક્યા બાદ જ સુરક્ષિત રીતે ચઢો અથવા ઉતરો અને રેલવે કર્મચારીઓના સૂચનોનું પાલન કરો.

 

(7:36 PM IST)