<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

જામનગરમાં પણ ગોડસે પરનું નાટક રદ : કોંગ્રેસના કાર્યકરોનો હલ્લાબોલ : ટાઉનહોલ બહાર નાટકના પોસ્ટરો ફાડી આક્રોશ ઠાલવ્યો

રાજકોટમાં થયેલા વિરોધ બાદ જામનગરના આયોજકોએ નાટક બંધ રાખવાનો લીધો નિર્ણય : 'ગાંધીજીનો હત્યારો ક્યારેય હીરો ન હોઈ શકે' ના નારા સાથે કોંગ્રેસે ટાઉનહોલ ગજવી મૂક્યું

(મુકુંદ બદીયાણી દ્વારા)જામનગર : જામનગરના ટાઉનહોલ ખાતે નથુરામ ગોડસેના જીવન પર આધારિત નાટક યોજાવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ મામલે વિવાદ વધતા અને અગાઉ રાજકોટમાં થયેલા ઉગ્ર વિરોધને ધ્યાને રાખીને આયોજકોએ અંતે જામનગરમાં પણ આ નાટક રદ કરવાની જાહેરાત કરી હતી. જોકે, નાટક રદ થયા બાદ પણ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેઓએ ટાઉનહોલ ખાતે એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પોસ્ટરો ફાડીને વ્યક્ત કર્યો વિરોધ:
જામનગર ટાઉનહોલની બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા અને નાટકના આયોજન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન કાર્યકરોએ ટાઉનહોલ ખાતે લગાવવામાં આવેલા નથુરામ ગોડસેના નાટકના પોસ્ટરો ફાડી નાખીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારાનું મહિમામંડન કરતું નાટક તેઓ ક્યાંય પણ યોજાવા દેશે નહીં.
હત્યારો ક્યારેય હીરો ન હોઈ શકે:
વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ 'ગાંધીજીના હત્યારાનું નાટક ક્યાંય નહીં થવા દઈએ' અને 'હત્યારો કોઈ દિવસ હીરો ન હોઈ શકે' તેવા ઉગ્ર નારાઓ લગાવ્યા હતા. રાજકોટમાં થયેલા વિરોધના પડઘા જામનગરમાં પણ જોવા મળ્યા હતા, જેને પગલે આયોજકોએ છેલ્લી ઘડીએ પીછેહઠ કરવી પડી હતી. જામનગરમાં થયેલા આ વિરોધ પ્રદર્શનને પગલે ટાઉનહોલ વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગરમાયું હતું. (તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(9:34 PM IST)