હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કુદરતની કરૂણતા : ભાવનગરમાં ભાજપના કર્મઠ કાર્યકરની પ્રમુખ તરીકે નિમણૂક થઈ અને એ જ દિવસે હાર્ટએટેકથી નિધન
ખુશી માતમમાં ફેરવાઈઃ ભાવનગર બક્ષીપંચ મોરચાના નવનિયુક્ત પ્રમુખ ભાવેશભાઈ રબારીનું દુઃખદ અવસાન

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૯: ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટીના એક ખૂબ જ મહેનતુ, સંઘર્ષશીલ અને વફાદાર કાર્યકર્તા ભાવેશભાઈ રબારીના આકસ્મિક નિધનના સમાચારથી સમગ્ર રાજકીય આલમમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. કુદરતની ક્રૂરતા એવી જોવા મળી કે, આજે જ પક્ષ દ્વારા તેમની નિષ્ઠાની કદર રૂપે ભાવનગર મહાનગરના ‘બક્ષીપંચ મોરચા'ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી, પરંતુ આ ખુશીના સમાચાર તેમના સુધી પહોંચે તે પહેલા જ હાર્ટ એટેકે તેમનો જીવનદીપ બુઝાવી દીધો હતો.
જવાબદારી મળી પણ સ્વીકારવા ન રહ્યાઃ ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી પાયાના કાર્યકર તરીકે સેવા આપતા ભાવેશભાઈ રબારી હંમેશા પાર્ટીની લાઈનમાં રહીને વફાદારીપૂર્વક કામ કરવા માટે જાણીતા હતા. તેમની આ મહેનતને ધ્યાને રાખીને આજે ભાજપ સંગઠન દ્વારા તેમને બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, વિધિની વક્રતા જુઓ કે આજે બપોરે જ તેમનું હૃદય રોગના હુમલાથી અવસાન થયું હતું.
અભિનંદન આપવા ફોન કર્યો ત્યારે જાણ થઈ.
આ ઘટનાની કરુણતા ત્યારે સામે આવી જ્યારે તેમના તોહીઓ અને કાર્યકર્તાઓ તેમને નવી નિમણૂક બદલ હરખથી અભિનંદન આપવા માટે ફોન કરી રહ્યા હતા. આવા જ એક પ્રસંગમાં, જ્યારે એક હિતેચ્છુએ તેમને વધામણી આપવા ફોન કર્યો ત્યારે તેમનો ફોન બંધ આવતો હતો. ત્યારબાદ તેમના ભાઈનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે ભાવેશભાઈ હવે આ દુનિયામાં રહ્યા નથી. આ સમાચાર સાંભળતા જ કાર્યકરો સ્તબ્ધ થઈ ગયા હતા અને ખુશીનો માહોલ ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ ગયો હતો.
પક્ષે એક વફાદાર સિપાહી ગુમાવ્યોઃ ભાવેશભાઈના નિધનથી ભાવનગર ભાજપના સંગઠનમાં મોટી ખોટ પડી છે. સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી રહી છે. સૌ કોઈ એક જ વાત કરી રહ્યા છે કે કુદરતે આજે એક નિષ્ઠાવાન કાર્યકર સાથે બહુ મોટી ક્રૂર મજાક કરી છે. પરમ કળપાળુ પરમાત્મા સદગતના આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર પર આવી પડેલા આ વજ્રઘાતને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ ૐ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
