<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

ગોંડલના લીલાખા પાસે કારની ઠોકરે બાઇક ચડતાં એમપીના યુવાનનું મોત

સમઢીયાળામાં રહી ખેત મજૂરી કરતો લાલો ઉર્ફ બાબુ સાઢુને મળવા તરઘડી જતો હતો ત્‍યારે બનાવઃ સાથે રહેલા મિત્રનો હાથ ભાંગી ગયો

રાજકોટ તા. ૯: ગોંડલના લીલાખા અને નવાગામ વચ્‍ચે પુરપાટ ઝડપે જતી કારે ડબલ સવારી બાઇકને અડફેટે લેતા બાઈક ચાલક યુવકનું મોત નીપજ્‍યું હતું જયારે પાછળ બેઠેલા ભાઈના સાળાને હાથમાં ફેક્‍ચર થતા સિવિલમાં દાખલ કરવામાં આવ્‍યો છે. મળતક સમઢીયાળા ગામે વાડીમાં ખેતમજૂરી કામ કરતો અને તરઘડી રહેતા સાઢુને મળવા જતો હતો ત્‍યારે અકસ્‍માત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ મુળ મધ્‍યપ્રદશેનો વતની અને હાલ  સમઢીયાળા ગામે વિઠ્ઠલભાઈની વાડીએ પરિવાર સાથે રહી ખેતમજૂરી કામ કરતો લાલો ઉર્ફ બાબુ રાયસીંગ સેનાની (ઉ.વ.૨૫)નો યુવક ગત તા.૭ના રોજ સાળાના ભાઈ લક્ષમણ (ઉ.વ.૨૦)ને બાઇકમાં બેસાડી તરઘડી જતો હતો ત્‍યારે લીલાખા-નવાગામ વચ્‍ચે પહોંચતા પુરપાટ ઝડપે આવતી કારે બાઇકને ઠોકરે લેતા બંને ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી.  જેમાં લાલો ઉર્ફ બાબુએ આજે દમ તોડી દીધો હતો. તેની સાથેના લક્ષમણને હાથમાં ફ્રેકચર થઇ જતાં સારવાર હેઠળ છે.

મૃતક યુવાન ચાર ભાઇ અને એક બહેનમાં નાનો હતો. સંતાનમાં એક પુત્ર છે. બનાવથી મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ પોલીસને જાણ કરી હતી. 

(12:08 PM IST)