તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th February 2026
ભવનાથમાં સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં નાગા સાધુઓના આગમનથી તળેટી શિવમય
સમગ્ર તળેટી "હર હર મહાદેવ" અને "જય ગિરનારી"ના નાદથી ગુંજી ઉઠી : તંત્રની 3 આરોગ્ય ટીમ સાધુ સંતોના ધુણા અને આશ્રમમાં જઈ હેલ્થ ચેકઅપ કર્યું

સૌરાષ્ટ્રની ધરતી પર જૂનાગઢ સ્થિત ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિના મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. "ભજન, ભોજન અને ભક્તિ"ના ત્રિવેણી સંગમ સમાન આ મેળામાં દેશભરના વિવિધ અખાડાઓમાંથી સાધુ-સંતો અને દિગંબર નાગા સાધુઓનું આગમન થતા સમગ્ર તળેટી "હર હર મહાદેવ" અને "જય ગિરનારી"ના નાદથી ગુંજી ઉઠી છે.
મેળાની પરંપરા મુજબ, પંચ દશનામ જૂના અખાડા, આહવાન અખાડા અને અગ્નિ અખાડા સહિતના પ્રમુખ અખાડાઓના સાધુઓએ વાજતે-ગાજતે ભવનાથમાં પ્રવેશ કર્યો છે. મુખ્ય મંદિરે ધર્મધજાના પૂજન અને રોહણ સાથે મેળાની સત્તાવાર શરૂઆત થઈ છે. હજારોની સંખ્યામાં સાધુઓએ પોતાની 'રાવટીઓ' (તંબુ) અને ધૂણીઓ સ્થાપી દીધી છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
ભવનાથના મેળાનું સૌથી મોટું આકર્ષણ અહીં પધારેલા દિગંબર સાધુઓ છે.શરીર પર ભસ્મ લગાવીને, જટાધારી સ્વરૂપે પધારેલા સાધુઓ મેળામાં પોતાના પરંપરાગત શસ્ત્રો જેવા કે ત્રિશૂળ અને તલવાર સાથે શિવભક્તિમાં લીન જોવા મળે છે. સાધુ-સંતો પોતાની રાવટીઓમાં પવિત્ર અગ્નિ (ધૂણી) ધખાવે છે. ભક્તો આ ધૂણીના દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવે છે. મધતે અહીં વાગતા શંખ અને ડમરુનો અવાજ વાતાવરણને અલૌકિક બનાવે છે.
યાત્રિકો માટે તળેટીમાં સેંકડો અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં 24 કલાક ગરમાગરમ પ્રસાદ પીરસવામાં આવે છે. રાત્રિના સમયે યોજાતા સંતવાણી અને લોક ડાયરામાં ગુજરાતના નામી કલાકારો શિવભજનની રમઝટ બોલાવે છે, જેનો લાખો શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે.
મહાશિવરાત્રિની રાત્રે અંદાજે 9:00 વાગ્યાની આસપાસ સાધુ-સંતોની ભવ્ય રવેડી નીકળે છે. રવેડીનો પ્રારંભ પંચ દશનામ જૂના અખાડાથી થાય છે. જૂના અખાડાથી નીકળીને આ રવેડી ભવનાથ તળેટીના મુખ્ય માર્ગો પર ફરે છે, જેમાં અલગ-અલગ અખાડાના સાધુઓ પોતપોતાના ધર્મધજા (નિશાન), પાલખી અને શસ્ત્રો સાથે જોડાય છે. હાથી, ઘોડા, બેન્ડવાજા, શંખનાદ અને નાગા સાધુઓના અંગ કસરતના દાવપેચ આ રવેડીને અદભૂત બનાવે છે.
વેડી આખા મેળા વિસ્તારમાં ભ્રમણ કર્યા બાદ મોડી રાત્રે (મધ્યરાત્રિએ) અંદાજે રાત્રે 12:00 થી 1:00 વાગ્યાની વચ્ચે (મહાશિવરાત્રિની મુખ્ય રાત) ભવનાથ મહાદેવના મંદિર પહોંચે છે.
સૌથી પહેલા અખાડાના ઈષ્ટદેવની પાલખીને સ્નાન કરાવવામાં આવે છે, ત્યારબાદ સાધુ-સંતો કુંડમાં શાહી સ્નાન કરે છે. આ સ્નાન બાદ જ ભગવાન ભવનાથની મહાપૂજા અને આરતી થાય છે.
મૃગી કુંડ સાથે વર્ષો જૂની એક અત્યંત લોકપ્રિય માન્યતા જોડાયેલી છે. લોકવાયકા છે કે સ્નાન માટે કુંડમાં ઉતરેલા સાધુઓમાંથી અમુક સાધુઓ ક્યારેય બહાર આવતા નથી, તેઓ અદ્રશ્ય થઈ જાય છે. માનવામાં આવે છે કે સિદ્ધ પુરુષો અને અશ્વત્થામા જેવા અમર આત્માઓ આ કુંડમાં સ્નાન કરી અદ્રશ્ય માર્ગે ગિરનારની ગુફાઓમાં ચાલ્યા જાય છે. એવી શ્રદ્ધા છે કે આ દિવસે નવ નાથ અને ચોર્યાસી સિદ્ધો પણ ગુપ્ત સ્વરૂપે સ્નાન કરવા પધારે છે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
