<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

જામનગરના રણજીત સાગર રોડ પર કરોડોની સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું : છ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ : ભુમાફિયાઓ માં ફફડાટ

ખોટા નકશા અને દસ્તાવેજો બનાવી 8,586 ચોરસ મીટર ખરાબાની જમીનમાં 66 પ્લોટ પાડી વેચવાનું કાવતરું : પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી 2.80 કરોડની જમીન બાબતે તપાસ તેજ કરી

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, તા. 10 : જામનગરમાં સરકારી જમીન પચાવી પાડવાના એક મસમોટા કૌભાંડમાં પોલીસે લાલ આંખ કરી છે. શહેરના રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની કરોડોની કિંમતની જમીન પર કબ્જો કરી, ખોટા દસ્તાવેજોના આધારે પ્લોટિંગ કરી વેચી નાખવાના ગુનામાં કુલ છ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
કૌભાંડની વિગત અને મોડસ ઓપરેન્ડી
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપીઓએ જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી આશરે ૮,૫૮૬ ચોરસ મીટર સરકારી જમીન પચાવી પાડવાનું વ્યવસ્થિત કાવતરું રચ્યું હતું. આ જમીનની અંદાજિત કિંમત ૨.૮૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આરોપીઓએ આ સરકારી ખરાબાની જમીનના ખોટા નકશા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. એટલું જ નહીં, આ જમીન પર કુલ ૬૬ પ્લોટ પાડીને તેને બારોબાર વેચી નાખવાની તૈયારી પણ કરી લેવામાં આવી હતી.
છ શખ્સો સામે ગુનો અને ધરપકડ
સરકારી જમીન પચાવી પાડવાના આ ગંભીર મામલે પોલીસે મનસુખ રતીલાલ ભટ્ટી, આમદભાઈ ઉંમરભાઈ ખફી, નુરમામદ ઉર્ફે ખોડુભાઇ દાઉદભાઈ ચાવડા, રાજેશ કાંતીલાલ મારૂ, યજ્ઞેશ રતિલાલ રાણપરીયા અને જગદિશ ગણેશભાઈ ચોવટીયા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ (લેન્ડ ગ્રેબિંગ) કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને છ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ જગદિશ ગણેશભાઈ ચોવટીયા, રાજેશ કાંતિલાલ મારુ અને યજ્ઞેશ રતિલાલ રાણપરીયાની અટકાયત કરી લીધી છે. અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે અને પોલીસ આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ ચલાવી રહી છે. આ કાર્યવાહીથી જામનગરના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

(3:52 PM IST)