<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

હળવદની સરા ચોકડીએ ટ્રકે બાઇકને ઉલાળતાં નાના ભાઇને તેડવા જઇ રહેલા સંજય માવીનું મોત

મોરબીના કુંભારીયામાં રહી ખેત મજૂરી કરતો મુળ મધ્‍યપ્રદેશના ૨૩ વર્ષના યુવાને રાજકોટમાં દમ તોડયોઃ બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં મજૂર પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૧: હળવદ નજીક સરા ચોકડીએ ટ્રકે બાઇકને ઉલાળી દેતાં બાઇકચાલક મોરબીના કુંભારીયા ગામે રહી ખેત મજૂરી કરતાં મુળ એમપીના યુવાનનું ગંભીર ઇજા થતાં મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ કુંભારીયામાં રહેતો સંજય સુંદરસિંગ માવી (ઉ.વ.૨૩) ગત સાંજે ચારેક વાગ્‍યે કુંભારીયાથી બાઇક હંકારી નજીકના લુટાવદર ગામ તરફ જતો હતો ત્‍યારે સરા ચોકડીએ પહોંચતા ટ્રકના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં સંજય બાઇક સહિત રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાતે મૃત્‍યુ થતાં મજૂર પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં હળવદ પોલીસે કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર સંજય માવી પાંચ ભાઇ અને એક બહેનમાં ત્રીજો હતો. તેને સંતાનમાં બે દિકરા છે. તેનો નાનો ભાઇ જસુ લુટાવદર ગામે મજૂરી કરતો હોઇ સાંજે તે મજૂરીએથી છુટતાં તેને તેડવા માટે સંજય નીકળ્‍યો ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. તે છ મહિનાથી કુંભારીયા ગામે પરિવાર સાથે રહી મજૂરી કરતો હતો. 

(12:17 PM IST)