<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

મહાશિવરાત્રિ પર્વનો અભૂતપૂર્વ ઉત્સાહ:સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સતત 42 કલાક મંદિર ખુલ્લુ રાખવા નિર્ણય

મહાશિવરાત્રિ પર લગભગ પાંચ લાખ ભક્તો સોમનાથ મંદિરના દર્શને પહોંચે તેવી અપેક્ષા

 મહાશિવરાત્રિના પર્વને અભૂતપૂર્વ ઉત્સાહ સાથે ઉજવવા માટે બાર જ્યોર્તિલિંગમાંથી સૌપ્રથમ ગણાતું જ્યોર્તિલિંગ ગુજરાતનું સોમનાથ મંદિર 42 કલાક ખુલ્લુ રાખવામાં આવશે. મહાશિવરાત્રિના પર્વ નિમિતે મહાદેવના ભક્તોના ધસારાને લઈને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સતત 42 કલાક મંદિર ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી પ્રમાણે 15 ફેબ્રુઆરીએ વહેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખોલવામાં આવશે, જે સતત બીજા દિવસ સુધી ખુલ્લા રહેશે. 

મહાશિવરાત્રિના પર્વને લઈને ભક્તોના ધસારાને સોમનાથ મંદિર ટ્રસ્ટે પણ તૈયારી કરી લીધી છે. મહાશિવરાત્રિ પર લગભગ પાંચ લાખ ભક્તો સોમનાથ મંદિરના દર્શને પહોંચે તેવી અપેક્ષા છે. તાજેતરમાં યોજાયેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ' બાદ શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો, ત્યારે 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના પર્વની ઉજવણી માટેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે.  

મહાશિવરાત્રિના પર ભક્તો આરામથી દર્શન અને પૂજા કરી શકે એ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. મહાશિવરાત્રિના દિવસે મંદિરમાં ચાર પ્રહરની ખાસ પૂજા અને આરતી થશે. સવારે 9 વાગે પાલખી યાત્રા, 10 વાગે પાઘ પૂજન અને શોભાયાત્રા નીકળશે. આ સાથે જ સમુદ્ર કિનારે પાર્થિવ શિવલિંગ મહાપૂજા પણ કરવામાં આવશે. ભક્તો માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા નોંધાવી શકશે, જેનો પ્રસાદ ભક્તોને પોસ્ટ દ્વારા મોકલાશે.

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે આ વર્ષે મોટી સંખ્યામાં ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને, મંદિર વહીવટીતંત્ર અને સ્થાનિક અધિકારીઓએ સુરક્ષા અને સુવિધાઓ માટે વ્યાપક વ્યવસ્થા કરી છે. કલેકટરે એમ પણ જણાવ્યું કે "સોમનાથ સ્વાભિમાન પર્વ" પછી ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નિયમિત દિવસોમાં, લગભગ 20,000 ભક્તો મંદિરમાં દર્શન કરવા આવતા હતા, પરંતુ હવે આ સંખ્યા દરરોજ લગભગ 75,000 થઈ ગઈ છે. 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના આગામી તહેવારના મુખ્ય દિવસે, લગભગ 5 લાખ ભક્તો તીર્થસ્થળની મુલાકાત લે તેવી અપેક્ષા છે.

તેમણે જણાવ્યું કે ભીડનું સંચાલન કરવા અને ભક્તો માટે સરળ દર્શન સુનિશ્ચિત કરવા માટે, વહીવટીતંત્રે અનેક પગલાં લીધાં છે. સુરક્ષા-ચેક ગેટની સંખ્યા છથી વધારીને દસ કરવામાં આવી છે. ભક્તોની અવરજવરને નિયંત્રિત કરવા માટે એક ખાસ એક-માર્ગી પ્રવેશ અને બહાર નીકળવાની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે તબીબી ટીમો ચોવીસ કલાક તૈનાત કરવામાં આવશે. મંદિર પાર્કિંગ વિસ્તારમાં મોટા પાયે ભંડારાનું આયોજન કરવામાં આવશે, અને પ્રસાદ વિતરણ માટે વધારાના કાઉન્ટર સ્થાપિત કરવામાં આવશે.

આ સિવાય ગુજરાત ટુરિઝમ દ્વારા 14, 15 અને 16 ફેબ્રુઆરીના રોજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગાયક કૈલાશ ખેર સહિત દેશભરના પ્રખ્યાત કલાકારો મંદિર સંકુલ નજીકના મેદાનમાં પરફોર્મન્સ કરશે.

(1:05 PM IST)