News of Thursday, 12th February 2026
દેવરીયામાં બે પરિવાર વચ્ચે લોહીયાળ જંગ
લોકોના ટોળા ઉપર કાર ચડાવવાનો પ્રયાસ

સુરેન્દ્રનગર, તા. ૧રઃ લખતર તાલુકાના દેવરીયા ગામમાં એક જ સમાજના બે પરિવારો સામસામે આવી જતાં ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ક્ષુલ્લક બાબતે શરૂ થયેલી તકરારે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક યુવકે લોકોના ટોળા પર કાર ચઢાવી દેવાનો ભયાનક પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે.
યુવક બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો. જ્યારે ગામના લોકો અને અન્ય પરિવારના સભ્યો તેને સમજાવવા ગયા ત્યારે ઉશ્કેરાયેલા યુવકે મારી નાખવાના ઇરાદે લોકોના ટોળા પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ ધારિયા અને બેટ જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો.
આ લોહીયાળ સંઘર્ષમાં યશપાલસિંહ રાણા અને જગદીશસિંહ રાણા નામના બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
હુમલો કરનાર ધર્મેન્દ્રસિંહ રાણા અને અજયસિંહ રાણા નામના બે ભાઈઓ સામે લખતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તેમજ ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવી છે.(૬.૧૦)
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
