<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

પોરબંદરમાં માતા સાધણીજીની ચાંદીની મૂર્તિનું અનાવરણઃ વરસી ઉત્‍સવનું સમાપન

વરસી ઉત્‍સવમાં મહાઆરતી ભજન અને સત્‍સંગ અને રંગારંગ કાર્યક્રમ યોજાયોઃ સુરતથી વાસુરામજી તથા ગામે ગામથી સીંધી સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યાં

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧રઃ સીંધી સમાજ દ્વારા યોજાયેલા માતા સાધણીજીના વરસી ઉત્‍સવનું રંગેચંગે સમાપન થયું હતું. આ ઉત્‍સવ દરમિયાન માતા સાધણીજીની ચાંદીની મૂર્તિનું અનાવરણ કરીને દર્શન માટે ખૂલ્લી મુકવામાં આવી હતી.

સંત શિરોમણી શ્રી ખાનુરામ સાહેબ પરમ પૂજય માતા સાધણીજીના મંદિરે થલ્‍હી સાહેબ મુખ્‍ય સ્‍થાન મેમણવાડા ખાતે પૂજય માતા સાધણીજીનો વાર્ષિક ઉત્‍સવ યોજાયો હતો. સિંધી સમાજના ગોરમહારાજ સ્‍વામીએ વરસી ઉત્‍સવના આરંભની પૂજાપાઠ પૂજનવિધી કરેલ. ત્‍યારબાદ વરસી ઉત્‍સવની શરૂઆતમાં વેરાવલ, પોરબંદરના સાથી કલાકારોએ ધાર્મિક ભજનોનો રંગારંગ પ્રોગ્રામ રજુ કરેલ.

આ વરસી ઉત્‍સવમાં સિંધી સમાજના સર્વ સંગતને આશિર્વાદ આપવા સુરતથી સંત વાસુરામ દુખભંજન દરબાર રામનગરના ગાદિનશીલ સંત શ્રી સાંઇગીરી રાલાલજીએ હાજરી આપીને આશિર્વાદ આપેલ. આ વર્ષે વરસી ઉત્‍સવનું મુખ્‍ય આકર્ષણ ચાંદીની હાજરા હજુર માતા સાધણીજી સાહેબની મૂર્તિનું પૂજનવિધી બાદ મૂર્તિનું અનાવરણ મંદિર થલ્‍હી સાહેબ મેમણવાડાના ગાદિનશીન સંત શ્રી સાંઇ દાંદુરાયજીની કૃપાથી ગાદીપતિ સંત શ્રી સાંઇ મુલણશાહ ભારતીમાતાએ ચાંદીની માલા સાધણીજી સાહેબની મૂર્તિનું અનાવરણ કરીને સર્વ સંગત માટે દર્શનાર્થે મુકવામાં આવેલ.

વરસી ઉત્‍સવમાં ગામે-ગામથી તેમજ સિંધી સમાજની સર્વ સંગતને સંત શ્રી મુલણશાહ ભારતીમાતાએ આશિષરૂપે પ્રસાદીનું વિતરણ કરીને આશિર્વાદ આપેલ. ગામે-ગામેથી તેમજ પોરબંદર સિંધી સમાજના આગેવાનોએ મંદિર થલ્‍હીના ગાદિપતી સંત શ્રી મુલણશાહ ભારતીમાતાનું શાલ તેમજ હારતોરા કરીને સન્‍માન કરેલ હતું.

વરસી ઉત્‍સવમાં સંત શ્રી મુલણશાહ ભારતી માતાએ પોતાના ધાર્મિક પ્રવચનમાં સર્વ સંગતને જણાવ્‍યું કે દરેક મનુષ્‍યે પોતાના જીવનમાં ખુશી થવા માટે દરેક વ્‍યકિતએ પોતાના માતા-પિતાની સેવા કરીને વડિલોના આશિર્વાદ પ્રાપ્‍ત કરવા જોઇએ વૃધ્‍ધ માતા-પિતાની સાળ સંભાળ રાખવા તેઓને હંમેશા ખુશ રાખવા જણાવ્‍યું હતું.

માતા સાધણીજી વરસી ઉત્‍સવના છેલ્લે દિવસે શ્રી મહા આરતી, શ્રી અરદાસ સાહેબ, શ્રી પલ્લવ બાદ સર્વ સંગતને પ્રસાદીનું વિતરણ કરવામાં આવેલ. પરમ પૂજય માતા સાધણીજીના વાર્ષિક ઉત્‍સવમાં હાજરી આપનાર સર્વે સિંધી સમાજના ભાઇ-બહેનો માટે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવેલ હતું.

કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિર થલ્‍હી સાહેબના આયોજકોશ્રી સતિષભાઇ નવલાણી, રાજાભાઇ નવલાણી, સુનિલકુમાર તેમજ પોરબંદર સિંધી સમાજના સેવાદારી ભાઇ-બહેનોએ તેમજ માતા રાધણી સેવા સમિતિના સર્વે સેવાદારીઓએ જહેમત ઉઠાવી હતી.

(1:22 PM IST)