News of Friday, 13th February 2026
વાંકાનેરના નવાપરામાં શોભનાબેનનો આર્થિક ભીંસને લીધે ખેરડીમાં આપઘાત
પતિ સાથે ચોટીલાના ખેરડીમાં ખેત મજૂરી કરતા મહિલાએ રાજકોટમાં સારવારમાં દમ તોડયોઃ ચાર સંતાના મા વિહોણા થયાઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૩: વાંકાનેરના નવાપરામાં રહેતાં મહિલા હાલ પતિ સાથે ચોટીલાના ખેરડી ગામે ખેત મજૂરી કરતાં હોઇ ત્યાં તેણીએ ઝરેી દવા પી લેતાં સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્યુ થયું છે. આર્થિક ભીંસને કારણે કંટાળીને પગલુ ભર્યાનું ખુલ્યું છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેરના નવાપરામાં રહેતાં શોભનાબેન પ્રકાશભાઇ ધારકીયા-દેવીપૂજક (ઉ.વ.૩૫)એ ગઇકાલે સવારે ચોટીલાના ખેરડીમાં ભીખુભાના ખેતરે હતાં ત્યારે ઝેરી દવા પી લેતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
આપઘાત કરનાર શોભનાબેનને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. પતિ-પત્નિએ થોડા સમય પહેલા ખેરડીમાં ખેતર વાવવા રાખ્યું હોઇ આ પરિવાર ત્યાં રહેતો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ચોટીલા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી ચાર સંતાન મા વિહોણા થઇ જતાં કલ્પાંત સર્જાયો હતો.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
