News of Friday, 13th February 2026
સુરેન્દ્રનગર જીલ્લાના હાઇવે ઉપર ચક્કાજામ કરવા કોંગ્રેસની ચિમકી
મતદાર યાદીમાંથી ૨૪ હજારથી વધુ નામો કમી કરવા મુદ્દે થયેલી અરજી અંગે ગુનો દાખલ કરવામાં ન આવતા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૩: એસઆઇઆર ની કામગીરી સતત વિવાદમાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આ કામગીરી અંગેનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે ફાઇનલ મતદાતાઓની યાદી જાહેર કરવાનું હજુ બાકી છે ફોર્મ નંબર ૭ એટલે કે મતદાર યાદી માંથી નામો કમી કરવા માટે ૨૪,૦૦૦ થી વધુ મતદાતાઓના ખોટી રીતે ફોર્મ ભરી નાખવામાં આવ્યા છે આ અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ થી લઈ અને સુરેન્દ્રનગરના કલેક્ટર કચેરી સુધી અને સુરેન્દ્રનગર પોલીસવડા ની કચેરી સુધી પદયાત્રા કરી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને ખોટી રીતે જે લોકો દ્વારા ૨૪,૦૦૦ જેટલી અરજીઓ મતદારોના નામો કમી કરવા માટે કરવામાં આવી છે તેમના ઉપર ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે શુક્રવાર સુધીમાં આ કામગીરી કરવામાં નહીં આવે તો જિલ્લાના તમામ રોડ રસ્તાઓ લોક કરવામાં આવશે અને જિલ્લામાંથી પસાર થતાં તમામ હાઇવે ઉપર કોંગ્રેસ ચક્કાજામ કરી અને હાઇવે બંધ કરી દેશે. પરંતુ હજુ સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્ર દ્વારા ખોટી અરજીઓ કરનાર અને મતદાર યાદી માંથી નામો કમી કરવા માટેની અરજી કરનાર તત્વો વિરોધમાં કોઈ તપાસ પણ નથી કરવામાં આવી કે કોઈ ગુનો પણ દાખલ કરવામાં નથી આવ્યો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી દ્વારા હાઇવે ચક્કાજામ કરવા અંગેની ચીમકી આપવામાં આવી છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ અલગ અલગ ગુપ્ત જગ્યા એ હાલ રાખવામાં આવ્યા છે પોલીસ ડીટેન ન કરે તે માટે કોંગ્રેસના નેતાઓ અત્યારથી જ સુરેન્દ્રનગરના હાઇવે નજીક આવેલી હોટલોમાં છુપાઈ અને હાઈવે ચક્કાજામ કરવાની રણનીતિ શરૂ કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમને લઈ અને પોલીસ પણ એલર્ટ મોડ ઉપર મુકાઈ ગઈ છે કોંગ્રેસ પોતે અસ્તિત્વ જાળવવા માટે મેદાને ઊતરી છે અને પોલીસે હાલથી જ કોંગ્રેસના નેતાઓને ડિટેન ન કરવા માટે અને આ કાર્યક્રમ ન થાય તે માટેની કવાયત શરૂ કરી છે. એક તરફ રાજ્યપાલ સુરેન્દ્રનગરની મુલાકાતે છે ચોટીલા તાલુકાના ચણપા ગામે અલગ અલગ કાર્યક્રમોમાં દેવવ્રત આચાર્ય પ્રવાસે આવ્યા છે ત્યારે કોંગ્રેસ હવે રાજકોટ અમદાવાદ તેમજ કચ્છ અમદાવાદ હાઇવે ઉપર જ ચક્કાજામ કરે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે પોલીસ પણ આ મુદ્દે કામે લાગી છે અને કોંગ્રેસના નેતાઓ જે ગુપ્ત જગ્યાઓ ઉપર છુપાઈ ગયા છે અને કાર્યક્રમો આપવા જઈ રહ્યા છે ત્યારે તેમની અટકાયત કરી અને નજરકેદ કરવા માટે કામે લાગી છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
