News of Friday, 13th February 2026
મહાશિવરાત્રીના મેળામાં ગિરનાર લેઉવા પટેલ ટ્રસ્ટ દ્વારા અવિરત સેવા: રોજ 40,000 કપ ચા અને 25,000થી વધુ લોકો માટે અલ્પાહાર વ્યવસ્થા
ગિરનાર તળેટીમાં મહાશિવરાત્રીના મેળામાં શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની અગવડ ન પડે તે માટે ટ્રસ્ટના સ્વયંસેવકો રાત-દિવસ કાર્યરત

જૂનાગઢના ગિરનારની તળેટીમાં યોજાયેલા ભવ્ય મહાશિવરાત્રિ મેળાનો ત્રીજો દિવસ છે. ભવનાથ ક્ષેત્રમાં શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે, ત્યારે આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ગિરનાર લેઉવા પટેલ ટ્રસ્ટ દ્વારા સેવાનો અવિરત યજ્ઞ ચલાવાઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની અગવડ ન પડે તે માટે ટ્રસ્ટના સ્વયંસેવકો રાત-દિવસ કાર્યરત છે.
મેળામાં આવતા દર્શનાર્થીઓ માટે લેઉવા પટેલ ટ્રસ્ટ દ્વારા ચા અને અલ્પાહારની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ઠંડીના માહોલમાં વહેલી સવારથી જ ભક્તો માટે ગરમાગરમ ચા પીરસવાનું શરૂ કરી દેવામાં આવે છે. આયોજકોના જણાવ્યા અનુસાર, દરરોજ 40,000 થી વધુ કપ ચાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. માત્ર ચા જ નહીં, પરંતુ ભક્તોની જઠરાગ્નિ તૃપ્ત કરવા માટે દરરોજ 25,000 થી વધુ અલ્પાહાર ના પેકેટ અથવા પ્લેટની સેવા પણ પૂરી પાડવામાં આવે છે.
ગિરનાર લેઉવા પટેલ ટ્રસ્ટ વર્ષોથી મહાશિવરાત્રિ મેળામાં પોતાની સેવાઓ આપી રહ્યું છે. આ કોઈ એક વર્ષનું આયોજન નથી, પરંતુ વર્ષોથી ચાલી આવતી એક અતૂટ પરંપરા છે મેળામાં આવતા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓની સેવા કરવી એ જ આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે. ટ્રસ્ટના અગ્રણીઓ અને દાતાઓના સહયોગથી આટલી વિશાળ જનમેદનીને વ્યવસ્થિત રીતે સુવિધાઓ પૂરી પાડવી એ વ્યવસ્થાપનનો ઉત્તમ નમૂનો છે.
આ સેવાકીય પ્રવૃત્તિમાં સેંકડો સ્વયંસેવકો જોતરાયેલા છે. શિસ્તબદ્ધ રીતે લાઈનો બનાવીને ભક્તોને પ્રસાદી સ્વરૂપે ચા-નાસ્તો આપવાની કામગીરી કરી રહ્યા છે ભવનાથ તળેટીમાં ગુંજતા 'હર હર મહાદેવ' ના નાદ સાથે આ સેવાભાવી પ્રવૃત્તિ મેળાની રોનકમાં વધારો કરી રહી છે. મેળાના બાકીના દિવસોમાં પણ ભીડ વધવાની શક્યતાને ધ્યાને રાખીને ટ્રસ્ટ દ્વારા વધુ જથ્થામાં સામગ્રીની તૈયારીઓ કરી લેવામાં આવી છે.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
