તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th February 2026
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ 'શિવોત્સવ અન્નક્ષેત્ર' પહોંચ્યા: લોકગાયક કિર્તીદાન ગઢવી સાથે મુલાકાત કરી
મિની કુંભ સમાન મહાશિવરાત્રી મેળાના ઉમંગ વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષએ ભવનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યની સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી

જૂનાગઢમાં ગિરનારની ગોદમાં યોજાઈ રહેલા મિની કુંભ સમાન મહાશિવરાત્રી મેળાના ઉમંગ વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓએ ભક્તિમય હાજરી આપી છે. મેળાના પ્રારંભિક દિવસોમાં જ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે ભવનાથ તળેટીની મુલાકાત લઈ શિવભક્તિના આ પર્વમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમણે ભવનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યની સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
પોતાની મુલાકાત દરમિયાન જગદીશ પંચાલ ખાસ કરીને 'શિવોત્સવ અન્નક્ષેત્ર' પહોંચ્યા હતા, જ્યાં છેલ્લા ચાર દિવસથી હજારો શ્રદ્ધાળુઓ નિઃશુલ્ક ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેમણે જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત કરી હતી. લોકગાયક કિર્તીદાન ગઢવી આ મેળામાં પોતાની ભજન પ્રસ્તુતિઓ દ્વારા શ્રદ્ધાળુઓને ભક્તિરસમાં તરબતર કરી રહ્યા છે. જગદીશ પંચાલે ગઢવીની સેવાકીય અને કલાકીય પ્રવૃત્તિઓને બિરદાવી તેમને ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી.
નોંધનીય છે કે, 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ પાંચ દિવસીય મેળામાં આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાજ્યના ટૂરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂટને શિવમય થીમ પર શણગારવામાં આવ્યો છે. આ મેળામાં રવેડી અને શાહી સ્નાન જેવા પરંપરાગત પ્રસંગોનું વિશેષ મહત્વ હોય છે, જેમાં લાખો શિવભક્તો સાથે દેશભરના સાધુ-સંતો અને નાગા સાધુઓ પણ ઉમટી પડતા હોય છે. ભજન, ભોજન અને ભક્તિના આ ત્રિવેણી સંગમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓની હાજરીએ મેળાની રૌનકમાં વધારો કર્યો છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
