<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળાનો કાલે અંતિમ દિવસઃ રવેડીની તૈયારીઓ શરૂ

સવારથી તળેટી તરફ ભાવિકોનો અવિરત પ્રવાહ, સાંજે હૈયેહૈયું દળાય એવી ભીડ થવાની શક્‍યતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૪: ભવનાથ ખાતે ચાલી રહેલા મહાશિવરાત્રી મેળાનો કાલે અંતિમ દિવસ હોય રવેડીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ આજે પણ  સવારથી તળેટી તરફ ભાવિકોનો અવિરત પ્રવાહ વહી રહ્યો હોવાથી ભવનાથમાં સાંજે હૈયેહૈયું દળાય એવી ભીડ થવાની શક્‍યતા જોવાઈ રહી છે.

દરમ્‍યાન મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થતા જ તળેટી વિસ્‍તારમાં ૨૦૦ થી વધુ અન્નક્ષેત્ર અને ઉતારા મંડળો દ્વારા નિશુલ્‍ક ભોજન પીરસવામાં આવે છે. લાખો લોકો ઉમટી પડતા હોય જેથી કેટલાક અન્નક્ષેત્રો દ્વારા શાકભાજી માર્કેટિગ યાર્ડમાંથી ખરીદી કરવામાં આવે છે. જેથી બટેટા અને ડુંગળી અને ટમેટાની આવકમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે જૂનાગઢ માર્કેટિગ યાર્ડમાં ૬૪૩ ક્‍વિન્‍ટલ બટેટાની આવક થઈ હતી.

શાકભાજી યાર્ડનો શેડ બોરીઓથી ઉભરાયો હતો. ગુરુવારે યાર્ડમાં બટેટાની ૩૨૨ ક્‍વિન્‍ટલ આવક થઈ હતી.  ગઈકાલે એક જ દિવસમાં બટેટાની આવક બમણી થઈ હતી. પ્રતિ ૨૦ કીલો બટેટાનુ રૂ. ૧૦૦થી ૨૦૦ ના ભાવે વેચાણ થયું હતું. પાંચ દિવસમાં જ ૨.૧૬લાખ કિલો બટેટા ઠલવાયા છે.

બટેટા ઉપરાંત ટમેટા અને ડુંગળીની આવકમાં વધારો થયો છે. પાચ દિવસમાં ૮૬ હજાર કિલો ટમેટા અને ૪૪ હજાર કિલો ડુંગળીની આવક થઈ છે. ડુંગળીના મણના માત્ર રૂ. ૫૦ થી ૨૫૦ તળિયાના ભાવ રહ્યા હતા

(12:25 PM IST)