<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં લેસર શોનું અદકેરૂ આકર્ષણ

પ્રકાશની ગતિશીલતા સાથેનું તાંડવ નૃત્ય કરતા ભગવાન શિવજી, ત્રિશૂળ, ડમરૂ, શંખ વગેરેની પ્રતિકૃતિઓ શ્રદ્ધાળુઓના હૈયે અનેરો ભકિતભાવ પ્રગટાવે છે

જૂનાગઢ તા.૧૪:    ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ રૂપ મહાશિવરાત્રીના મેળામાં ટેકનોલોજીનો પણ નવો આયામ જોવા મળી રહ્યો છે, મહાશિવરાત્રીના મેળામાં ભવનાથ મંદિર ખાતે પ્રથમ વખત ભકિત અને ટેકનોલોજીના સંગમરૂપ લેસર શોએ શ્રદ્ધાળુઓમાં અદકેરૂ આકર્ષણ જમાવ્યું છે.

મહાશિવરાત્રીના મેળા દરમિયાન લાખો ભાવિકો ભગવાન ભવનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન કરે છે, પરંતુ આ વર્ષે રાજ્ય સરકારના પ્રયાસોથી મહાશિવરાત્રીના મેળાની ભવ્યતા અને દિવ્યતા વધી છે, તેમાં ભાવિકોલક્ષી નવા આયામો ઉમેરાયા છે, જે શ્રદ્ધાળુઓને ભકિતમય નવી અનુભૂતિ કરાવે છે.

આ સંદર્ભમાં પ્રાંત અને મેળા અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભવનાથ મહાદેવના મંદિરમાં અનેક નવા આયામો ઉમેરવામાં આવ્યા છે, જે ભાવિકોમાં ભકિતભાવ સાથે આકર્ષણ પણ જન્માવે છે, જેમાં મહાશિવરાત્રીના મેળામાં પ્રથમવાર લેસર શોનું આયોજન થયું છે, જે નિહાળી ભવનાથ મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુઓ એક અનોખો અનુભવ લઈને જાય છે.

ટેકનોલોજીના માધ્યમથી થતા આ લેસરમાં Gobo - Go Between Optics લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના થકી શિવજીના જુદા જુદા રૂપો, ત્રિશૂળ સહિતની પ્રતિકૃતિઓ દર્શાવવામાં આવી રહી છે.

તેમણે એમ પણ કહ્યું કે, ભવનાથ મંદિર પર ૫૫ કિલોનો ધ્વજદંડ સ્થાપિત કરવામાં આવ્યો છે ઉપરાંત મંદિર પરિસરમાં ભગવાન મહાદેવ રવેડીમાં આવતા હોય તેવું એક એક કાલ્પનિક પેઇન્ટિંગ પણ તૈયાર કરવામાં આવ્યું છે જે પણ ભાવિકોને ખૂબ પસંદ પડ્યું છે.

તેમણે ઉમેર્યું કે, ભવનાથ મંદિરમાં ભાવિકોલક્ષી અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:40 PM IST)