<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

ભક્તિની સાથે કલાનો શણગાર: ભવનાથના મેળામાં શ્રદ્ધાળુઓએ અંગ પર કંડાર્યા ‘મહાદેવ’, ટેટૂ આર્ટિસ્ટો માટે મેળો બન્યો કમાણીનું પ્લેટફોર્મ

૨૦ રૂપિયાથી લઈને ૨૦૦૦ સુધીના કલાત્મક ટેટૂની બોલબાલા; નડિયાદ અને મહારાષ્ટ્રના કલાકારોએ ગિરનારની તળેટીમાં જમાવ્યો આશરો

જૂનાગઢ: જૂનાગઢની પાવન ગિરનાર તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ નાના કલાકારો માટે રોજગારીનું પણ મોટું માધ્યમ સાબિત થઈ રહ્યો છે. આ વર્ષે ભવનાથના મેળામાં ભક્તિના રંગ સાથે કલાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. મેળામાં પધારેલા ભાવિકો પોતાની શ્રદ્ધાને શરીર પર કાયમી સ્મૃતિ તરીકે કંડારવા માટે ટેટૂ આર્ટિસ્ટો પાસે લાઈનો લગાવી રહ્યા છે.
દૂર-દૂરથી આવ્યા ટેટૂના જાદુગરો
આ વખતે મેળામાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મહારાષ્ટ્રથી પણ કુશળ ટેટૂ આર્ટિસ્ટો ઉમટી પડ્યા છે. નડિયાદના મીનાવાળા ગામના ટેટૂ આર્ટિસ્ટ વિજયભાઈ જણાવે છે કે, ભાવિકોમાં સૌથી વધુ ક્રેઝ ‘હર હર મહાદેવ’, ‘ૐ’ અને ‘જય માતાજી’ જેવા ધાર્મિક લખાણોનો છે. આધુનિક મશીનો દ્વારા ગણતરીની મિનિટોમાં આ કલાત્મક ડિઝાઈનો તૈયાર થઈ જાય છે, જે યુવાનોથી લઈને વડીલો સુધી આકર્ષણનું કેન્દ્ર બની છે.
રૂપિયા ૨૦ થી ૨૦૦૦ સુધીનો વૈભવ
મેળામાં રોજગારીની તકો વિશે વાત કરતા ડાકોરથી આવેલા એક કલાકારે જણાવ્યું કે, અહીં સામાન્ય ભક્તો માટે ૨૦ રૂપિયાથી શરૂ કરીને હાઈ-પ્રોફાઈલ પસંદગી ધરાવતા લોકો માટે ૨૦૦૦ રૂપિયા સુધીના ટેટૂ ઉપલબ્ધ છે. મેળાના ચાર-પાંચ દિવસમાં લાખોની મેદની ઉમટતી હોવાથી આ કલાકારોને આખા વર્ષની સારી એવી કમાણી અહીંથી મળી રહે છે.
શ્રદ્ધા અને ફેશનનો સંગમ
ગિરનારની તળેટીમાં જ્યારે સાધુ-સંતોના ભજન અને ધૂન ગુંજતી હોય, ત્યારે ભક્તો પોતાના હાથ કે ગળા પર ભગવાન શિવના પ્રતીકો બનાવડાવીને પોતાની અનન્ય ભક્તિ પ્રગટ કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માટે આ માત્ર ફેશન નથી, પરંતુ મહાશિવરાત્રીની યાદગીરીને પોતાની સાથે ઘરે લઈ જવાનો એક માધ્યમ છે. આમ, ભવનાથનો આ મેળો પરંપરાગત ભક્તિની સાથે આધુનિક રોજગારીનું પણ પ્રેરણાદાયી કેન્દ્ર બન્યો છે.

(7:14 PM IST)