<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

ગુજરાતમાં ઠંડીની અકાળ વિદાય: ઘઉંના પાક પર તોળાતું સંકટ, દાણો ભરાવદાર નહીં બને તો વજન અને ગુણવત્તામાં મોટા ઘટાડાની ભીતિ

ભાવનગર જિલ્લામાં વાવેતરમાં બમણો વધારો છતાં કુદરત રૂઠી; ગરમી વધતા ઘઉંમાં જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા, જગતનો તાત ફરી ચિંતામાં મુકાયો

ભાવનગર: ગુજરાતમાં શિયાળાની વિદાય અને ગરમીના વહેલા આગમનને કારણે રવિ પાકના રાજા ગણાતા ઘઉંના ઉત્પાદન પર ખતરો મંડરાઈ રહ્યો છે. સામાન્ય રીતે જે સમયે કકડતી ઠંડી પડવી જોઈએ, તેવા ફેબ્રુઆરી મહિનામાં તાપમાનનો પારો ઉંચકાતા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. ખાસ કરીને ભાવનગર જિલ્લાના ખેડૂતો, જેમણે આ વર્ષે વિક્રમી વાવેતર કર્યું છે, તેઓ હવે પાકની ગુણવત્તાને લઈને ચિંતિત છે.
ઠંડી વગર ઘઉંનો દાણો ‘પાતળો’ પડશે
ઘઉં એવો પાક છે જેને તૈયાર થવા માટે સતત ૧૮ થી ૧૯ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાનની જરૂર પડે છે. જેમ ઠંડી વધુ પડે તેમ ઘઉંનો દાણો વધુ ફળદ્રુપ અને ભરાવદાર બને છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો ઠંડી ઓછી પડે તો દાણો ખીલતો નથી, જેના પરિણામે તેમાંથી લોટનું પ્રમાણ પણ ઘટે છે. હાલમાં ઠંડી ગાયબ થઈ જતા દાણાના વિકાસની પ્રક્રિયા અટકી ગઈ છે, જેની સીધી અસર ઉત્પાદનના વજન પર પડશે.
ભાવનગરમાં વાવેતરમાં ૨૭,૦૦૦ હેક્ટરનો વધારો
ખેતીવાડી અધિકારી રીઝવાન ઘાંચીના જણાવ્યા અનુસાર, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવનગરમાં ઘઉંના વાવેતરમાં ધરખમ વધારો થયો છે. ગત વર્ષે ૧૯,૨૨૦ હેક્ટરમાં વાવેતર હતું, જે આ વર્ષે વધીને ૪૬,૨૯૮ હેક્ટર સુધી પહોંચ્યું છે. પરંતુ આ મબલખ વાવેતર સામે હવે કુદરતી પ્રતિકૂળતા વિઘ્ન બનીને ઉભી છે. ઠંડીના અભાવે ઘઉંમાં જીવાતનો ઉપદ્રવ વધવાની પણ પૂરેપૂરી સંભાવના છે.
બેવડી ઋતુ અને ખેડૂતોની મહેનત
સીદસરના ખેડૂતોનું કહેવું છે કે ઘઉંનો પાક પુષ્કળ મહેનત અને પિયત માંગી લે છે. નવેમ્બર-ડિસેમ્બરમાં વાવણી કર્યા બાદ ખેડૂતો રાત-દિવસ એક કરીને પાકને પંપાળે છે, પરંતુ અંતિમ તબક્કે જ્યારે દાણો દળદાર થવાનો સમય આવ્યો ત્યારે જ ગરમી વધી ગઈ છે. લોકવન, GW ૪૫૧ અને GJW ૪૬૩ જેવી ઉંચી ઉપજ આપતી જાતો પર પણ ગરમીની માઠી અસર જોવા મળી શકે છે.
ખેડૂત નિષ્ણાતએ સલાહ આપી છે કે, આવા સમયે ખેડૂતોએ પિયત વ્યવસ્થાપન અને જીવાત નિયંત્રણ માટે ખાસ કાળજી રાખવી જોઈએ. જો હજુ પણ થોડા દિવસો ઠંડી પડે તો પાક બચી શકે છે, અન્યથા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે.

(8:01 PM IST)