તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
સુરેન્દ્રનગરના રાજકારણમાં ગરમાવો: 'આપ' સાથે છેડો ફાડનાર ખેડૂત નેતા રાજુ કરપડાને મનાવવા કોંગ્રેસ મેદાને, પાલ આંબલિયા છાવણી સાથે પહોંચ્યા
શું રાજુ કરપડા કોંગ્રેસનો 'હાથ' પકડશે? જેલવાસના અન્યાય બાદ 'આપ'ને રામ-રામ કરનાર નેતાને અમિત ચાવડાનું તેડું; ખેડૂત સંમેલન બાદ ખેલાશે અસલી રાજકીય દાવ

સુરેન્દ્રનગર: ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર પક્ષપલટા અને નવા સમીકરણોની પટકથા લખાઈ રહી હોય તેવા દ્રશ્યો સુરેન્દ્રનગરમાં જોવા મળ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) ના કિસાન સેલના પૂર્વ પ્રમુખ અને ઝાલાવાડના કદાવર ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ 'ઝાડુ' છોડ્યા બાદ હવે તેઓ કયા પક્ષમાં જોડાશે તેના પર સૌની મીટ મંડાણી છે. આ તકનો લાભ લેવા કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે અને દિગ્ગજ નેતા પાલ આંબલિયા સહિતની ફોજ તેમને મળવા સુરેન્દ્રનગર દોડી ગઈ હતી.
કોંગ્રેસની 'ઘેરાબંધી' અને અમિત ચાવડાનું આમંત્રણ
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના નેતાઓએ રાજુભાઈ કરપડાને પક્ષમાં આવવા માટે લાલ જાજમ બિછાવી છે. પાલ આંબલિયા અને અન્ય આગેવાનોએ કરપડા સાથે લાંબી મંત્રણા કરી હતી. એવી પણ ચર્ચા છે કે આગામી બે-ત્રણ દિવસમાં રાજુભાઈ કરપડા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે બેઠક કરી શકે છે. જો આ બેઠક સફળ રહેશે, તો સૌરાષ્ટ્રના ખેડૂત રાજકારણમાં કોંગ્રેસ માટે એક મોટો ફાયદો સાબિત થઈ શકે છે.
"હજુ નિર્ણય બાકી છે": રાજુ કરપડાની 'વેઇટ એન્ડ વોચ' ની નીતિ
કોંગ્રેસના નેતાઓ સાથેની મુલાકાત બાદ રાજુભાઈ કરપડાએ મીડિયા સમક્ષ પોતાની રણનીતિ સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું કે, "કોંગ્રેસ નેતાઓ સાથેની મુલાકાત માત્ર પારિવારિક અને સ્નેહમિલન સમાન હતી. મેં હજુ સુધી કોઈ પક્ષમાં જોડાવાનો નિર્ણય લીધો નથી." કરપડાએ વધુમાં ઉમેર્યું કે તેઓ ટૂંક સમયમાં એક ભવ્ય 'ખેડૂત સંમેલન' યોજશે અને તેમાં ખેડૂતો જે આદેશ આપશે, તે મુજબ જ પોતાનું ભવિષ્ય નક્કી કરશે.
શા માટે 'આપ' સાથે છેડો ફાડ્યો?
રાજુ કરપડાએ 'આપ' પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના મતે, જ્યારે તેઓ ખેડૂતોના પ્રશ્ને જેલમાં હતા, ત્યારે પક્ષ દ્વારા તેમને જોઈતો સહયોગ મળ્યો ન હતો. આ ઉપેક્ષાથી નારાજ થઈને તેમણે રાજીનામું આપ્યું છે. સૌરાષ્ટ્રના ખેડૂતોમાં તેમનું મોટું પ્રભુત્વ હોવાથી ભાજપ પણ તેમની હલચલ પર નજર રાખી રહ્યું છે, પરંતુ હાલમાં કોંગ્રેસે બાજી મારવાની કોશિશ તેજ કરી છે.
હવે જોવાનું એ રહેશે કે ખેડૂત સંમેલન બાદ રાજુભાઈ કરપડા કોંગ્રેસનો 'હાથ' પકડે છે કે પછી કોઈ નવો જ રાજકીય રસ્તો અપનાવે છે. સુરેન્દ્રનગરની આ મુલાકાતે ચોક્કસપણે રાજ્યના રાજકીય તાપમાનમાં વધારો કર્યો છે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
