News of Saturday, 14th February 2026
SGVP ગુરુકુલ રીબડા ખાતે મહાશિવરાત્રિની દિવ્ય ઉજવણી: શિવ-પાર્વતીના વેશમાં સજ્જ વિદ્યાર્થીઓએ કૈલાસધામ જેવું વાતાવરણ સર્જ્યું

SGVP ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મહાશિવરાત્રિના પવિત્ર પર્વની અદભૂત અને ભક્તિમય માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શાળાનું પટાંગણ શિવમય બન્યું હતું અને આધ્યાત્મિકતા સાથે સંસ્કારનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમની ગરિમામય શરૂઆત રીબડા ગુરુકુલના સંચાલક પૂજ્ય ધર્મવત્સલ સ્વામી તેમજ પૂજ્ય વેદાંતસ્વરૂપ સ્વામી, પૂજ્ય હરીનંદન સ્વામી અને પૂજ્ય ઋષિકેશ સ્વામી આદિ સંતોના વરદહસ્તે કરવામાં આવી હતી. પૂજ્ય સંતોએ વૈદિક શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન શિવજીનું પૂજન-અર્ચન કરીને સમગ્ર વાતાવરણને પવિત્ર મંત્રોચ્ચારથી ગુંજતું કર્યું હતું.
આ દિવ્ય મહોત્સવમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાએ ખાસ હાજરી આપી હતી. તેમણે પૂજ્ય સંતો સાથે સમૂહ આરતીમાં જોડાઈ ભગવાન ભોળાનાથના આશીર્વાદ મેળવ્યા હતા અને SGVP ગુરુકુલ દ્વારા બાળકોમાં શિક્ષણની સાથે જે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે, તે બદલ ઊંડો રાજીપો વ્યક્ત કર્યો હતો. આ ઉજવણીનું સૌથી મનોહર આકર્ષણ શાળાના ભૂલકાઓ અને વિદ્યાર્થીનીઓ હતા, જેઓ સ્વયં ભગવાન શિવ અને માતા પાર્વતીના મનોહર વેશમાં સજ્જ થઈને આવ્યા હતા. જાણે સાક્ષાત્ કૈલાસ ધામ ધરતી પર ઉતર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
શાળાના પ્રિન્સિપાલ જીગ્નેશ સર અને સમગ્ર સ્ટાફના માર્ગદર્શન હેઠળ તમામ વિદ્યાર્થીઓએ અત્યંત શ્રદ્ધાપૂર્વક શિવજીનો જળાભિષેક અને દૂધનો અભિષેક કરી ભગવાન ભોળાનાથ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા .સાંસ્કૃતિક કૃતિઓ અને શિવ સ્તુતિ દ્વારા બાળકોએ શિવમહિમાનું સુંદર ગાન કર્યું હતું. પૂજ્ય ધર્મવત્સલ સ્વામીએ આ પ્રસંગે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, મહાદેવનું જીવન આપણને મનથી શાંત અને વિચારોથી પવિત્ર બનવાની પ્રેરણા આપે છે.સમગ્ર આયોજનને સફળ બનાવવા કેવલ ભાઈ અને કેમ્પસ સ્ટાફ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
