તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 14th February 2026
વેલેન્ટાઈન ડેના ઘોંઘાટ વચ્ચે સંસ્કારોનો ગુંજારવ: સાર્થક વિદ્યામંદિરમાં ગણેશ પૂજનની યાદ અપાવતું 'માતૃ-પિતૃ પૂજન'
પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણને તિલાંજલિ આપી મોરબીના વિદ્યાર્થીઓએ પિતાના ચરણ સ્પર્શ કરી અને માતાની આરતી ઉતારી ઉજવ્યો સાચો પ્રેમ દિવસ; ૨૫ ડિસેમ્બરે તુલસી પૂજન બાદ ૧૪ ફેબ્રુઆરીએ સંસ્કાર સિંચનનો અનોખો પ્રયોગ

મોરબી:આજે જ્યારે સમગ્ર વિશ્વ ૧૪ ફેબ્રુઆરીને 'વેલેન્ટાઈન ડે' તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે મોરબીની સાર્થક વિદ્યામંદિરે ભારતીય સંસ્કૃતિની ધરોહરને જીવંત રાખતો એક અભિનવ કાર્યક્રમ યોજીને સમાજને નવો રાહ ચીંધ્યો છે. શાળાના પ્રાંગણમાં આજે વેલેન્ટાઈન કાર્ડ્સ કે ગુલાબના બદલે પૂજાની થાળી અને વડીલોના આશીર્વાદનો માહોલ જોવા મળ્યો હતો. ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું. જે દ્રશ્યો જોઈને ઉપસ્થિત સૌ કોઈની આંખો હરખના આંસુથી છલકાઈ ગઈ હતી. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ યુવા પેઢીને 'પ્રથમ પૂજ્ય' એવા માતા-પિતાના મૂલ્યો સમજાવવાનો હતો.
આ કાર્યક્રમમાં આશરે ૫૦ જેટલા વાલીઓ હોંશે હોંશે જોડાયા હતા. વિદ્યાર્થીઓએ કુમકુમ તિલક કરી, પુષ્પ અર્પણ કરી અને મોઢું મીઠું કરાવીને પોતાના માતા-પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વાલીઓએ પણ ગદગદિત થઈને પોતાના સંતાનોને દીર્ઘાયુ અને તેજસ્વી કારકિર્દીના આશીર્વાદ આપ્યા હતા. શાળાના ટ્રસ્ટી કમલેશ ગુરુજીએ જણાવ્યું હતું કે, સાર્થક વિદ્યામંદિર હંમેશા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. જેમ ૨૫ ડિસેમ્બરે નાતાલના બદલે તુલસી પૂજન કરવામાં આવે છે, તેમ આજે 'માતૃ-પિતૃ પૂજન' દ્વારા બાળકોને સાચા પ્રેમ અને આદરની વ્યાખ્યા સમજાવવામાં આવી છે.
કાર્યક્રમ દરમિયાન માત્ર પૂજન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓએ આજના દિવસના મહત્વ પર પ્રભાવશાળી વક્તવ્યો પણ આપ્યા હતા. પ્રધાનાચાર્ય ગણેશ ગુરુજી અને વિવેક ગુરુજીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા વિદ્યાર્થીઓએ પોતાની સ્પીચમાં જણાવ્યું હતું કે, "જો ઘરમાં જ સાક્ષાત્ દેવ જેવા માતા-પિતા બિરાજમાન હોય, તો બહાર પ્રેમ શોધવાની જરૂર નથી." આ વક્તવ્યોએ વાલીઓ અને શિક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શાળાના એચ.ઓ.ડી. અને તમામ સ્ટાફ મિત્રોએ આ આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી, જેનું પરિણામ આજે દરેકના ચહેરા પરની મુસ્કાન પરથી જોઈ શકાતું હતું.
મોરબીના શૈક્ષણિક જગતમાં આ કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ હેઠળ જ્યારે યુવાધન ભટકી રહ્યું છે, ત્યારે સાર્થક વિદ્યામંદિરના આ સંસ્કાર લક્ષી પ્રયોગની વાલીઓ દ્વારા મુક્ત કંઠે પ્રશંસા કરવામાં આવી રહી છે. શાળાનું આ પગલું સાબિત કરે છે કે જો શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે, તો જ એક આદર્શ સમાજનું નિર્માણ શક્ય છે. આજના આ પૂજન દિવસે સમગ્ર શાળા પરિવાર ભક્તિ અને ભાવનાના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો.
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
