<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

કચ્છના રમતજગતમાં નવો સૂર્યોદય: બિદડામાં 7 એકરમાં ફેલાયેલા અત્યાધુનિક ‘સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’ અને ‘હરિકો ભવન’નું હર્ષ સંઘવીના હસ્તે ભવ્ય લોકાર્પણ

“2030 ની કોમનવેલ્થ ગેમ્સ માટે અત્યારથી પરસેવો પાડો, મેડલ કચ્છનો યુવાન લાવવો જોઈએ”: નાયબ મુખ્યમંત્રીની યુવાશક્તિને હાકલ; સ્પોર્ટ્સ સાયન્સ અને ફિઝિયોથેરાપી સુવિધાઓથી સજ્જ સંકુલ બનશે ગુજરાતનું ગૌરવ

બિદડા (કચ્છ): સરહદી જિલ્લા કચ્છના વિકાસમાં આજે વધુ એક સુવર્ણ પાન ઉમેરાયું છે. બિદડા ખાતે કચ્છ યુવક સંઘ સંકુલમાં નિર્મિત ‘હરિકો ભવન’ અને 7 એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલા અદ્યતન ‘સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’નું લોકાર્પણ આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે હર્ષ સંઘવીએ કચ્છના યુવાનોને રમતગમત ક્ષેત્રે વિશ્વસ્તરે ચમકવા માટે આહ્વાન કર્યું હતું.

સ્પોર્ટ્સ કલ્ચરથી દૂર થશે સામાજિક દૂષણો

લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ સ્પોર્ટ્સ એકેડમી માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી પરંતુ કચ્છના યુવાનોના સપના સાકાર કરતો ટ્રેક છે. તેમણે ઉમેર્યું કે, સ્પોર્ટ્સ કલ્ચરના વિકાસથી આવનારી પેઢીમાં અનેક સામાજિક દૂષણોને નાબૂદ કરી શકાશે. હર્ષ સંઘવીએ અહીં માત્ર રમત નહીં, પરંતુ ‘સ્પોર્ટ્સ સાયન્સ’ અને ‘સ્પોર્ટ્સ ફિઝિયો’ પર ભાર મૂકવા સૂચન કર્યું હતું, જેથી ખેલાડીઓ શારીરિક અને માનસિક રીતે વધુ સક્ષમ બની શકે.

2030 કોમનવેલ્થ ગેમ્સનું લક્ષ્ય

ગુજરાતને આગામી ‘કોમનવેલ્થ ગેમ્સ’નું યજમાનપદ મળ્યું છે ત્યારે હર્ષ સંઘવીએ કચ્છના ખેલાડીઓને અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે 2030ની ગેમ્સમાં કચ્છનો યુવાન મેડલ જીતીને દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરશે. આ સાથે તેમણે ખાતરી આપી હતી કે જો અન્ય તાલુકાઓમાં પણ આવા સંકુલ બનાવવા માટે દાતાઓ આગળ આવશે, તો રાજ્ય સરકાર પૂરતો સહયોગ આપશે.

કચ્છ યુવક સંઘની સેવાકીય સફરની સરાહના

નાયબ મુખ્યમંત્રીએ કચ્છ યુવક સંઘ દ્વારા કરવામાં આવેલા સેવાકાર્યોને બિરદાવ્યા હતા. ભૂકંપ બાદ 11 ગામડાઓના પુનર્વસનથી લઈને રક્તદાન અભિયાન સુધીની સંસ્થાની કામગીરીને તેમણે પ્રેરણારૂપ ગણાવી હતી. તેમણે ખાસ કરીને વતન માટે ઉદાર હાથે દાન આપનાર દાતાઓનો આભાર માન્યો હતો અને સંસ્થાને વિલેજ ટૂર દ્વારા નવી પેઢીને ‘ક્રાઈસીસ મેનેજમેન્ટ’ના પાઠ ભણાવવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિત અનેક અગ્રણીઓ અને દાતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બિદડાનું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આગામી સમયમાં કચ્છના ખેલાડીઓ માટે નર્સરી સાબિત થશે.

 

(12:05 AM IST)