<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

લાઠીમાં ગાગડિયો નદી પર રૂ. 7 કરોડના ખર્ચે નવા પૂલનું થશે નિર્માણ: નવા ખીજડીયા ખાતે પુરસંરક્ષણ દિવાલનું ખાતમુહૂર્ત:

વિકાસને નવી દિશા આપતા કુલ રૂ. 8.41 કરોડના વિકાસકાર્યોનું ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત : સી.સી રોડથી નગરજનોની સુવિધામાં વધારો થશે


લાઠી : શહેરમાં વિકાસને નવી દિશા આપતા કુલ રૂ. 8.41 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે વિધિવત્ કરવામાં આવ્યું હતું. શહેરના નાગરિકોમાં આનંદ અને ઉત્સાહ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં લાઠીના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત થઈ હતી.
આ વિકાસકાર્યો અંતર્ગત લાઠી ખાતે ગાગડીયો નદી પર અંદાજિત રૂ. 7 કરોડના ખર્ચે આધુનિક સુવિધાસભર પૂલનું નિર્માણ કરવામાં આવશે. આ નવા પૂલના નિર્માણથી વરસાદી ઋતુ દરમિયાન નદીના વધેલા પ્રવાહ સમયે આવનજાવનમાં થતી અડચણો દૂર થશે અને સરળ અને સુરક્ષિત પરિવહન સુલભ બનશે.
આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં રૂ. 1.41 કરોડના ખર્ચે વિવિધ સી.સી રોડના કામ હાથ ધરવામાં આવશે, જેના કારણે શહેરના આંતરિક માર્ગો મજબૂત બનશે, વાહન વ્યવહાર સુગમ થશે અને નાગરિકોને દૈનિક અવરજવરમાં સહેલાઈ મળશે.
આ વિકાસકાર્યો લાઠી શહેર માટે અનેક રીતે લાભદાયી સાબિત થશે. નવા પૂલથી શહેરીજનોની સુવિધામાં વધારો થશે. સીસી રોડ-રસ્તાના કામોથી શહેરની આધારીય સુવિધાઓમાં ઉમેરો થશે, સ્વચ્છતા અને સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થા માટે સહાય મળશે અને શહેરના સર્વાંગી વિકાસને વેગ મળશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ પાથર, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, નગરપાલિકાના પ્રમુખ જેતનભાઈ જમોડ, અગ્રણી અતુલભાઈ કાનાણી, ધર્મેશભાઈ સોની, જીતુભાઈ ડેર, નગરપાલિકાના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ રાજ્ય સરકારના આ વિકાસલક્ષી પ્રયાસોને વધાવી લીધા હતા અને લાઠી શહેરને આધુનિક અને સુસજ્જ બનાવવા માટે સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
અમરેલી જિલ્લાના નવા ખીજડીયા ગામે ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે પુરસંરક્ષણ દિવાલના નિર્માણ કાર્યનું વિધિવત્ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોની ઉપસ્થિતિ અને લોકઉત્સાહ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ રીતે વ્યક્ત થઈ હતી.

(12:57 AM IST)