<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

ગિરનારની ગોદમાં ભક્તિનો વૈશ્વિક મહાકુંભ: નાગા સાધુઓ સાથે વિદેશી યુવતીઓએ ધૂણી ધખાવી!

ભવનાથના મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ; ઈઝરાયલ-તુર્કીના શ્રદ્ધાળુઓ અને કિન્નર અખાડાએ જમાવ્યું આકર્ષણ

જૂનાગઢ: ગિરનારની તળેટીમાં આયોજિત ભવનાથનો મહાશિવરાત્રી મેળો આજે તેના ચરમસીમા પર પહોંચ્યો છે. આ વખતે મેળામાં માત્ર દેશના ખૂણે ખૂણેથી સાધુ-સંતો જ નહીં, પરંતુ સાત સમંદર પારથી આવેલા વિદેશી ભક્તોએ પણ આકર્ષણ જમાવ્યું છે. ઈઝરાયલ, તુર્કી અને નેધરલેન્ડ જેવા દેશોથી આવેલી યુવતીઓ અને યુગલો ભવનાથના રંગે રંગાયા છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આધુનિક લાઈફસ્ટાઈલ છોડીને વિદેશી યુવતીઓ અહીં નાગા સાધુઓ સાથે બેસીને ધૂણી ધખાવતી અને ભભૂતિ લગાવતી જોવા મળી હતી. નેધરલેન્ડથી આવેલા એક યુગલે તો જૂનાગઢને પોતાની 'પિતૃભૂમિ' ગણાવીને અહીંની અદભૂત ઉર્જાનો અનુભવ વિશ્વભરના લોકો સાથે શેર કર્યો છે.

આ મેળામાં ભક્તિનો અનોખો રંગ કિન્નર અખાડાએ પણ પૂર્યો છે. શ્રી પંચદશનામ જુના કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનારી માતાજીના નેતૃત્વમાં ૬૦ થી વધુ કિન્નરો અહીં અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે. ગિરનારી માતાજીએ કિન્નરોને 'શિવ અને શક્તિ'નું સાક્ષાત સ્વરૂપ ગણાવતા કહ્યું કે, કિન્નરો જન્મથી જ સંન્યાસી હોય છે અને આજના યુગમાં તેઓ સેવાનું મોટું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. લાખો શ્રદ્ધાળુઓ આ કિન્નર સંતોના આશીર્વાદ લેવા ઉમટી રહ્યા છે.

બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મહાશિવરાત્રી અને ભારત-પાકિસ્તાન મેચને લઈને મોટી આગાહી કરી છે. મેળાના અંતિમ દિવસે જ્યારે લાખો ભક્તો મૃગી કુંડમાં શાહી સ્નાન માટે આતુર છે, ત્યારે વાતાવરણમાં આવતા પલટાએ વહીવટી તંત્ર અને શ્રદ્ધાળુઓની ચિંતામાં થોડો વધારો કર્યો છે. છતાં, ભોલેનાથના ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ જોવા મળતી નથી. આજે રાત્રે નીકળનારી ભવ્ય રવેડી આ મેળાનું મુખ્ય આકર્ષણ રહેશે, જેમાં દિગંબર સાધુઓ અંગ કસરતના દાવપેચ બતાવશે.

(10:34 AM IST)