તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં લોકસાહિત્ય અને ભક્તિની જમાવટ : નાણા રાજ્યમંત્રી કમલેશ પટેલે ભવનાથ મહાદેવની આરતી કરી સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો
લોકસાહિત્યકાર અમુદાન ગઢવી અને ગાયક દિપક જોશીએ ભક્તિસભર પ્રસ્તુતિથી ભાવિકોને ડોલાવ્યા : ધારાસભ્ય સંજય કોરડીયા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ચોથા દિવસે લોકકળાનો મધુર સમન્વય સર્જાયો

(વિનું જોષી દ્વારા), જૂનાગઢ : ગિરનારની ગોદમાં યોજાયેલા મિની કુંભ સમાન મહાશિવરાત્રી મેળાના ચોથા દિવસે ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યના નાણા અને પોલીસ હાઉસિંગ મંત્રી કમલેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ મેળાના આ પાવન અવસરે પરંપરાગત લોકકળા અને ભજનની પ્રસ્તુતિને મન ભરીને માણી હતી.
સ્વયંભૂ ભવનાથ મહાદેવની આરતીમાં સહભાગી
સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાતા પૂર્વે નાણા રાજ્યમંત્રી કમલેશ પટેલે ભવનાથ મહાદેવના મંદિરે પહોંચી ભગવાન ભવનાથની આરતીમાં ભાગ લીધો હતો. શ્રદ્ધા અને આસ્થા સાથે મહાદેવના આશીર્વાદ મેળવ્યા બાદ તેઓ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય સંજય કોરડીયા અને અન્ય અગ્રણીઓ પણ આ ધાર્મિક વિધિમાં જોડાયા હતા.
લોક કલાકારોએ જમાવી ભક્તિની છોળો
મેળાના અંતિમ તબક્કાના ભાગરૂપે યોજાયેલા આ સાંસ્કૃતિક જલસામાં જાણીતા લોકસાહિત્યકાર અમુદાન ગઢવીએ પોતાની આગવી શૈલીમાં લોકવાણી અને સાહિત્યની રજૂઆત કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત લોકગાયક દિપક જોશી અને મયુર દવેએ ભક્તિ સંગીત અને ભજનોની રમઝટ બોલાવી વાતાવરણને શિવમય બનાવી દીધું હતું. મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભાવિકો અને પ્રવાસીઓએ આ સાંસ્કૃતિક મધ્યાહ્નને મન ભરીને માણ્યો હતો.
મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ
આ અવસરે ધારાસભ્ય સંજય કોરડીયા ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા સહિતના પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતા આ આયોજનને બિરદાવ્યું હતું. ગિરનારની તળેટીમાં ગુંજતા વેદ મંત્રો અને લોકગાયકોના સૂરોએ મહાશિવરાત્રીના મેળાની રોનકમાં વધારો કર્યો હતો.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
