<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

ગિરનારની તળેટીમાં શ્રદ્ધાનું ઘોડાપૂર: ૪ જ દિવસમાં ૧૭ લાખ ભક્તોએ ભવનાથને 'મીની કુંભ' બનાવ્યું!

ભજન, ભોજન અને ભક્તિનો મહાસાગર; ૯૫ હજાર લોકોએ એક જ અન્નક્ષેત્રમાં લીધો પ્રસાદ, આરોગ્ય માટે બુલેટ એમ્બ્યુલન્સ તૈનાત

જૂનાગઢ: જૂનાગઢના ભવનાથમાં ૧૧ ફેબ્રુઆરીથી શરૂ થયેલો મહાશિવરાત્રી મેળો હવે તેના ભક્તિમય શિખરે પહોંચ્યો છે. વહીવટી તંત્રના આંકડા મુજબ, મેળાના પ્રથમ ચાર દિવસમાં જ અંદાજે ૧૭ લાખથી વધુ ભાવિકોએ ગિરનારની ગોદમાં માથું ટેકવ્યું છે. માત્ર છેલ્લા ૨૪ કલાકમાં જ ૭ લાખથી વધુ લોકો સાડા ત્રણ કિલોમીટરના વિસ્તારમાં હાજર હતા, જે આ મેળાની ભવ્યતા અને લોકોની અતૂટ આસ્થાનો પુરાવો છે. એસટી બસોની અવરજવર અને વીડિયો સર્વેલન્સના આધારે માપવામાં આવેલી આ જનમેદનીએ પાછલા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

મેળામાં 'ભોજન'નો મહિમા પણ અપરંપાર જોવા મળી રહ્યો છે. ખોડીયાર રાસ મંડળના અન્નક્ષેત્રમાં શનિવારે એક જ દિવસમાં ૯૫ હજાર લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો, જ્યારે શેરનાથ બાપુના આશ્રમ સહિતના મુખ્ય ચાર અન્નક્ષેત્રોમાં કુલ પોણા ચાર લાખ લોકોએ ભોજન લીધું છે. ભવનાથમાં ૧૫૦ થી વધુ નાના-મોટા અન્નક્ષેત્રો રાત-દિવસ કાર્યરત છે, જ્યાં 'ટુકડો ત્યાં હરિ ઢુકડો'ની ભાવના સાર્થક થતી જોવા મળે છે. ગિરનાર પર્વતથી લઈને ભવનાથ મંદિર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે, અને આજે મહાશિવરાત્રીનો મુખ્ય દિવસ હોવાથી આ સંખ્યા ૨૦ લાખને વટાવી જાય તેવી શક્યતા છે.

ભીડને જોતા આરોગ્ય તંત્ર પણ ફૂલ એક્શન મોડમાં છે. ૩૦ થી વધુ મેડિકલ ટીમો અને ૨૪ કલાક કાર્યરત હોસ્પિટલોમાં વેન્ટિલેટર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. જંગલ વિસ્તાર હોવાથી સર્પદંશની દવાઓનો જથ્થો પણ તૈયાર રખાયો છે. ખાસ કરીને ભીડભાડ વાળા વિસ્તારોમાં દર્દીઓ સુધી પહોંચવા માટે 'બુલેટ એમ્બ્યુલન્સ' આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બની છે. અત્યાર સુધીમાં ૫,૭૦૦ થી વધુ લોકોએ તબીબી સારવારનો લાભ લીધો છે. ભવનાથની ગલીઓમાં ગુંજતો 'હર હર મહાદેવ'નો નાદ વાતાવરણને શિવમય બનાવી રહ્યો છે.

(10:38 AM IST)