<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો જૂનાગઢ પ્રવાસ ભક્તિમય બન્યો : ૫ કિમી પદયાત્રા કરી ભવનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું

સિદ્ધેશ્વર મહાદેવના દર્શન અને દેવતણખી ધામની મુલાકાત બાદ ચારણ સમાજના સમૂહ લગ્નમાં નવદંપતીઓને આશીર્વાદ આપ્યા : પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરી સંગઠનની નવી ટીમને બૂથ સ્તર સુધી મજબૂત થવા આહવાન

વિનું જોષી દ્વારા, જૂનાગઢ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ જગદીશ વિશ્વકર્મા જિલ્લાવાર પ્રવાસે નીકળ્યા છે, જેના ભાગરૂપે તેઓ જૂનાગઢ પધાર્યા હતા. ગિરનારની પવિત્ર તળેટીમાં મહાશિવરાત્રીના પાવન અવસરે તેમની આ મુલાકાત રાજકીય કરતા આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રે વધુ ચર્ચિત રહી હતી. 'હર હર મહાદેવ' ના નાદ વચ્ચે તેમણે ભવનાથના મેળામાં સહભાગી થઈ સનાતન સંસ્કૃતિ પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરી હતી.
ધાર્મિક સ્થળોના દર્શન અને આશીર્વાદ
જગદીશ વિશ્વકર્માએ જૂનાગઢ પહોંચતાની સાથે જ શ્રી સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે પૂજા-અર્ચના કરી કોઠારી પી.પી. સ્વામીના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેમણે મજેવડી સ્થિત દેવતણખી ધામની મુલાકાત લઈ પરમ પૂજ્ય દેવતણખી દાદા અને આઈ શ્રી લિરલબાઈની સમાધિના દર્શન કર્યા હતા. ૧૩ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે તેમણે જૂનાગઢથી ભવનાથ તળેટી સુધી ૫ કિલોમીટરની પદયાત્રા કરી હતી. આ માર્ગમાં ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. ભવનાથ ખાતે તેમણે સંતો-મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા અને લેઉવા પટેલ સમાજ દ્વારા સંચાલિત અન્નક્ષેત્રમાં ભાવિકોને સ્વહસ્તે ભોજન પીરસી સેવા આપી હતી.
સામાજિક અને સંગઠનાત્મક ગતિવિધિ
પ્રદેશ અધ્યક્ષે રવેચી ધામ રાજપરા ખાતે લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને તેમની ટીમ દ્વારા આયોજિત ચારણ સમાજની દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપી હતી. તેમણે નવદંપતીઓને આશીર્વાદ આપતા દીકરીઓના શિક્ષણ અને સામાજિક એકતા પર ભાર મૂક્યો હતો.
તદુપરાંત, જૂનાગઢમાં "પ્રબુદ્ધ નાગરિક સંવાદ" કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમણે ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'ના નિર્માણ માટે મહિલા આત્મનિર્ભરતા, સ્ટાર્ટઅપ અને યુવા રોજગાર વિશે ચર્ચા કરી હતી. કાર્યક્રમ બાદ તેમણે જૂનાગઢ ભાજપા મહાનગરની નવી નિયુક્ત ટીમ સાથે બેઠક યોજી હતી. તેમણે કાર્યકરોને શિસ્ત અને સમર્પણ સાથે સંગઠનને બૂથ સ્તર સુધી સશક્ત બનાવવા અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ ઘરે-ઘરે પહોંચાડવા માર્ગદર્શન આપ્યું હતું.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ સમગ્ર પ્રવાસ દરમિયાન પ્રદેશ સંગઠન મહામંત્રી અનિરુદ્ધ દવે, મહાનગર અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા, જિલ્લા અધ્યક્ષ ચંદુભાઈ મકવાણા, ધારાસભ્ય સંજય કોરડિયા, મેયર ધર્મેશ પોશીયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા અધ્યક્ષ મયુર ગઢવી અને પ્રદેશ અગ્રણી ધવલ દવે સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ભાજપા મીડિયા વિભાગના ઇન્ચાર્જ સુરેશ પાનસુરીયાની યાદી મુજબ, આ પ્રવાસથી સ્થાનિક સંગઠનમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે.

(10:47 AM IST)