તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
જેતલસર બ્રિજ પર કાળમુખો અકસ્માત: કારના ફુરચેફુરચા ઉડ્યા, મેળામાંથી પરત ફરતા ૨ આશાસ્પદ યુવાઓના મોત
ભવનાથના મેળાની ખુશી માતમમાં ફેરવાઈ; જેતલસર જંકશન રેલવે પુલ પર ભયાનક ટક્કરમાં યુવક-યુવતીએ દમ તોડ્યો, ૨ ગંભીર

જેતપુર: જૂનાગઢ ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીના મેળાનો આનંદ માણીને પરત ફરી રહેલા મિત્રોની ટોળકી માટે આજની સવાર કાળ બનીને ત્રાટકી હતી. જેતપુર પાસે આવેલા જેતલસર જંકશન રેલવે પુલ પર આજે ૧૫ ફેબ્રુઆરીની વહેલી સવારે એક એવી ગમખ્વાર અકસ્માતની ઘટના બની કે જેને જોઈને પથ્થર દિલના માણસોના કાળજા પણ કંપી ઉઠ્યા. પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર પુલ પર અકસ્માતનો ભોગ બનતા તેના બે ભાગ થઈ ગયા હતા. કારની હાલત જોઈને અંદાજ લગાવી શકાય છે કે ટક્કર કેટલી ભયાનક હશે.
આ કરૂણ દુર્ઘટનામાં મુસ્કાન બગડા અને અરુણ વાળા નામના બે આશાસ્પદ યુવક-યુવતીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે તેમની સાથે મુસાફરી કરી રહેલા અન્ય બે મિત્રો, અમિત પરમાર અને જયદીપ ચૌહાણ, ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મેળાની મસ્તીમાં ડૂબેલા આ યુવાનોના પરિવારમાં સમાચાર મળતા જ આભ ફાટી પડ્યું છે.
ઘટનાની જાણ થતા જ જેતપુર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શિવરાત્રીના પવિત્ર પર્વ પર બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. તેજ રફતાર અને વહેલી સવારની ઝોકું કદાચ આ કરૂણ અકસ્માતનું કારણ હોઈ શકે તેમ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
