News of Sunday, 15th February 2026
તળાજામાં શેત્રુંજીના કાંઠે 'અગનતાંડવ': પવનની ફૂંકાતી લહેરખી વચ્ચે ભભૂકી આગ, ઝુંપડા પાસે મોતનું તાંડવ
બાવળની ઝાડીઓમાં લાગેલી વિકરાળ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું; ગરીબ પરિવારોના આશિયાના અને પશુઓ પર તોળાતું જોખમ ટળ્યું

તળાજા:ભાવનગર જિલ્લાના તળાજામાં શેત્રુંજી નદીના બ્રિજ પાસે આજે રુંવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. સૂકા બાવળોની ઝાડીઓમાં લાગેલી એક સામાન્ય આગ જોતજોતામાં પવનના જોરે વિકરાળ 'ફાયર બોલ' માં ફેરવાઈ ગઈ હતી. આકાશમાં દૂર-દૂર સુધી દેખાતા કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટાએ સમગ્ર પંથકમાં ભયનો માહોલ પેદા કર્યો હતો. આ ઘટના ત્યારે વધુ ગંભીર બની જ્યારે આગની લપેટો નદી કિનારે રહેતા ગરીબ દેવીપૂજક પરિવારોના ઝુંપડાઓ તરફ આગળ વધવા લાગી હતી.
ઘટના સમયે ઝુંપડાની નજીક જ પશુઓ બાંધેલા હોવાથી પરિસ્થિતિ અત્યંત સ્ફોટક બની હતી. જોકે, આ ભયાનક સંકટ વચ્ચે સ્થાનિક લોકોની હિંમત અને સમયસૂચકતા કામ આવી હતી. આગના ગોળા ઝુંપડાને રાખ કરે તે પહેલા જ લોકોએ જીવના જોખમે પશુઓને છોડીને સલામત સ્થળે ખસેડી લીધા હતા. જ્વાળાઓ એટલી ઊંચી હતી કે સ્થાનિકોના પ્રયાસો ટૂંકા પડ્યા હતા, પરંતુ તળાજા ફાયર બ્રિગેડના કાફલાએ ત્વરિત એન્ટ્રી કરી યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવ્યો હતો.
ફાયરના જવાનોની કલાકોની ભારે જહેમત બાદ આખરે આગ પર કાબૂ મેળવ્યો હતો અને એક મોટી જાનહાનિ થતી અટકી હતી. જો આગ રહેણાંક વિસ્તારમાં પ્રસરી હોત તો કરોડોનું નુકસાન અને અનેક જીવ જોખમમાં મુકાઈ શક્યા હોત. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પશુ કે માનવીને ઈજા પહોંચી નથી. હાલમાં તંત્ર દ્વારા આગ લાગવાનું કારણ શોધવા તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ અથવા કોઈની બેદરકારી જવાબદાર હોવાનું મનાય છે.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
