<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

કાલે જોડિયા હુન્નરશાળામાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત વ્યાખ્યાન કાર્યક્રમ

જાણીતા લેખક-કવિ સતીશભાઈ વ્યાસ, જાણીતા સાહિત્યવિદ વર્ષાબેન ત્રિવેદી, લેખિકા-કોલમિસ્ટ અને મોટિવેશનલ સ્પીકર વૈશાલીબેન જીવાણી અને સાહિત્યપ્રેમી ક્રિષ્નાબેન અનડકટ માતૃભાષા ઉપર વ્યાખ્યાન આપશે.

જામનગર :આગામી વિશ્વ માતૃભાષા દિવસના પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમી અને જોડિયાની સેવાભાવી, શૈક્ષણિક અને સામાજિક સંસ્થા શેઠ કાકુભાઈ જીવનદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળાના સંયુક્ત ઉપક્રમે તા. ૧૭ ફેબ્રુઆરીના રોજ માતૃભાષા મહોત્સવ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે.

  ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા માતૃભાષા સપ્તાહ અંતર્ગત ગુજરાતભરમાં અનેક જગ્યાઓએ “મળી માતૃભાષા મને ગુજરાતી” કાર્યક્રમ હેઠળ માતૃભાષાનું મહિમાગન કરવાનો મહોત્સવ ઉજવવાનું આયોજન કરાયું છે.

   જે અંતર્ગત હુન્નરશાળા ખાતે સવારે ૧૧ કલાકે આયોજિત આ મહોત્સવમાં જાણીતા લેખક-કવિ સતીશભાઈ વ્યાસ, જાણીતા સાહિત્યવિદ વર્ષાબેન ત્રિવેદી, લેખિકા-કોલમિસ્ટ અને મોટિવેશનલ સ્પીકર વૈશાલીબેન જીવાણી અને સાહિત્યપ્રેમી ક્રિષ્નાબેન અનડકટ માતૃભાષા ઉપર વ્યાખ્યાન આપશે.

   આ પ્રસંગે પ્રિન્સિપાલ સુ શ્રી ક્રિશનાબા ચુડાસમા, સંસ્થા પરિવારના અશોકભાઈ વર્મા, પૂર્વ સરપંચ સુશ્રી નયનાબેન વર્મા અતિથિવિશેષ રૂપે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ગુજરાત રાજ્ય એવોર્ડ વિજેતા શિક્ષિકા મમતાબેન જોશી કરશે. આ માતૃભાષાના મહિમાગાન કાર્યક્રમમાં પધારવા કાર્યક્રમના સંયોજક અને ટ્રસ્ટી પાર્થ સુખપરિયા અને પુનિતભાઈ શેઠે સૌને આમંત્રણ પાઠવ્યું છે

(5:56 PM IST)