News of Sunday, 15th February 2026
સુત્રાપાડા પંથકમાં સરસ્વતી નદીના કાંઠે કરુણ ઘટના :આલિદ્રા ગામ પાસે સરસ્વતી નદીમાં ડૂબી જવાથી યુવકનું કરૂણમોત
મૃતક યુવક બાંભણિયા પ્રીતેશ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના રહેવાસી: આશાસ્પદ દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં સરસ્વતી નદીના કાંઠે એક કરુણ ઘટના સામે આવી છે. આલિદ્રા ગામ પાસે પસાર થતી સરસ્વતી નદીમાં એક યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા નદી કાંઠે ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સુત્રાપાડાના પ્રાચી નજીક આવેલા આલિદ્રા ગામ પાસે સરસ્વતી નદીમાં યુવક ડૂબ્યો હોવાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. મૃતક યુવકની ઓળખ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના રહેવાસી બાંભણિયા પ્રીતેશ તરીકે થઈ છે. જોકે, આ યુવક નદીના ઉંડા પાણીમાં કઈ રીતે ગરકાવ થયો, તે હજુ સુધી જાણી શકાયું નથી. તે ન્હાવા માટે નદીમાં ઉતર્યો હતો કે પગ લપસવાને કારણે આ દુર્ઘટના બની, તે દિશામાં તપાસ ચાલુ છે.
ઘટનાની જાણ સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગને કરવામાં આવતા, ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગના જવાનોએ નદીના પાણીમાં ભારે શોધખોળ આદરી હતી. કલાકોની મહેનત બાદ આખરે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. યુવક દીવનો રહેવાસી હોવાની વિગત બહાર આવતા તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. આશાસ્પદ દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પ્રાચી અને આસપાસના વિસ્તારોમાં નદીઓના વહેણ ઉંડા હોવાથી અવારનવાર આવી દુર્ઘટનાઓ બનતી રહે છે, ત્યારે આ ઘટનાએ ફરી એકવાર નદી કિનારે સુરક્ષા અને સાવચેતીના મુદ્દે ચર્ચા જગાવી છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
