<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

મોરબીના ઐતિહાસિક રફાળેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર, ચાર પ્રહરની વિશેષ આરતીનું આયોજન.

પરંપરાગત મેળા અને શિવરાત્રીના મહિમાને લઈ વહેલી સવારથી જ અહીં 'હર હર મહાદેવ'નો નાદ ગુંજી ઊઠ્ય

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મહાશિવરાત્રીના પાવન પર્વે મોરબીના સુપ્રસિદ્ધ અને પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. રફાળેશ્વર ખાતે યોજાતા પરંપરાગત મેળા અને શિવરાત્રીના મહિમાને લઈ વહેલી સવારથી જ અહીં 'હર હર મહાદેવ'નો નાદ ગુંજી રહ્યો હતો.

મંદિરના પૂજારી યોગેશ ભારતી ગોસ્વામીએ આજના દિવસના મહત્વ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, રફાળેશ્વર મહાદેવનું શિવલિંગ ત્રેતાયુગ સમયનું અને સ્વયંભૂ છે. પાંડવોએ અહીં પિતૃતર્પણનું કાર્ય કર્યું હતું અને ભીમ દ્વારા અહીં ભીમનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી, જેથી આ જગ્યાનું પૌરાણિક મહત્વ અનેરું છે. શિવપુરાણ અનુસાર આજનો દિવસ એટલે શિવલિંગનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે, જ્યારે મહાદેવ અગ્નિસ્તંભ રૂપે પ્રગટ થયા હતા.
વહેલી સવારથી હજારો ભક્તોએ દર્શન કર્યા હતા.
મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે ૩:૦૦ થી ૪:૦૦ વાગ્યાના સમયગાળામાં મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા. સવારથી જ ભક્તોની ભારે મેદની ઉમટી હતી અને હજારો લોકોએ મહાદેવના દર્શનનો લાભ લીધો છે.
રાત્રે ચાર પ્રહરની મહાપૂજા અને આરતી યોજાઈ હતી 
મહાશિવરાત્રીની રાત્રિનું વિશેષ મહત્વ હોવાથી રાત્રે ચાર પ્રહરની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતુ.
પ્રથમ પ્રહર: રાત્રે ૧૦:૦૦ વાગ્યે
બીજો પ્રહર: રાત્રે ૧ર:૦૦ વાગ્યે
ત્રીજો પ્રહર: રાત્રે ર:૦૦ વાગ્યે
ચોથો પ્રહર: વહેલી સવારે ૪:૦૦ વાગ્યે.
આ ઉપરાંત દિવસ દરમિયાન નિયમિત સમયે એટલે કે સવારે ૫ વાગ્યે, બપોરે ૧ર વાગ્યે, ૩ વાગ્યે અને સાંજે ૭ વાગ્યે પણ આરતી કરવામાં આવે છે.
આખી રાત મંદિર ખુલ્લું રહ્યુ હતુ.
મેળામાં આવતા અને દર્શનાર્થે આવતા તમામ ભાવિકો દર્શનનો લાભલઈ શકે તે માટે આજે આખી રાત રફાળેશ્વર મહાદેવનું મંદિર ખુલ્લું રાખવામાં આવ્યુ હતુ તેમ પૂજારીએ જણાવ્યું હતું

(12:04 AM IST)