News of Monday, 16th February 2026
કચ્છમાં ૩ અલગ અલગ અકસ્માતમાં ૪ બાઈક સવારોના મોત
મેળામાંથી પરત ફરતી બે બાઇકો ટકરાતા બે યુવાનોએ જીવ ગુમાવ્યા, નોકરીથી પરત ફરનાર પ્રૌઢ ઘેર ન પહોંચ્યા, સામાન લઈ પરત ફરતો સગીર કચડાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ : કચ્છમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ જ લેતો નથી. જોકે, મોટા ભાગના અકસ્માતોનું કારણ ઝડપથી અથવા તો બેદરકારીપૂર્વક વાહન હંકારતા વાહનચાલકો કારણભૂત હોય છે. કચ્છમાં ત્રણ અલગ અલગ માર્ગ અકસ્માતોમાં ચાર બાઈક સવારોની જિંદગી ઉપર પૂર્ણ વિરામ મુકાયું છે. ભુજ તાલુકાના ધ્રંગ ગામે મહાશિવરાત્રીના યોજાતા મોટા મેળામાં પરત ફરતી વખતે ધ્રંગ લોડાઈ વચ્ચેના રોડ ઉપર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગોવિંદ કાળુભાઈ ઠાકોર ઉપરાંત અન્ય એક બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા અકસ્માતમાં ભુજના ભુજોડી ગામેથી નોકરી પૂર્ણ કરી માધાપર ગામે ઘેર પરત ફરતા ૬૩ વર્ષીય વિનુભાઈ છોટાલાલ સોલંકીની એક્ટિવાને બલેનો કારે ટક્કર મારતા ગંભીર ઇજાઓ થઈ હતી. હોસ્પિટલ ખસેડતી વખતે આ પ્રૌઢ બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. કાર ચાલક અકસ્માત બાદ નાસી છૂટ્યો હતો. ત્રીજો અકસ્માત મુન્દ્રાના રાશાપીર સર્કલ પાસે સર્જાયો હતો. જેમાં ગેરેજનો સામાન લઈ ડબલસવારીમાં પરત ફરી રહેલ બાઈક સામેથી આવતી કારથી બચવા રોડ નીચે સાઈડ ઉતારવા જતાં બાઈક સ્લીપ થયું હતું. બાઈક સ્લીપ થતા નીચે પટકાયેલ બે બાઈક સવારો પૈકી પાછળ બેઠેલા ૧૩ વર્ષીય અનસખાન ઉપર પાછળથી આવતા ટ્રેલરના પૈડા ફરી વળ્યા હતા. ટ્રેલર તળે ચગદાઈ જતાં આ માસૂમ સગીરનું મોત નીપજ્યું હતું. હરિયાણાથી એક મહિના પૂર્વે પોતાના સબંધી પાસે કચ્છમાં કામ માટે આવેલ માસૂમ વયના સગીરના અકાળે મોતના પગલે પરિવાર ભારે આઘાતમાં છે. પોલીસે ત્રણેય બનાવોમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
