News of Monday, 16th February 2026
મોરબી રંગપરના હસમુખને ગવરીદળમાં બનેવી અને બે ભાણેજે તલવાર, પાઇપના ઘા ઝીંક્યા
ઉછીના આપેલા ૫૫ હજારની ઉઘરાણી કરતાં બનેવીએ પોતાના ઘરે આવીને લઇ જવાનું કહી હુમલો કર્યો : કુવાડવા પોલીસે રાણા કલાડીયા અને તેના બે પુત્રો વિક્રમ, હેમત સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૬: મોરબીમાં રંગપર ગામે શ્રમશ્રધ્ધા હોટેલ નજીક ઝૂપડામાં રહી કારખાનામાં મજૂરી કરતાં યુવાને રાજકોટના ગવરીદળમાં રહેતાં બહેનને ઉછીના ૫૫ હજાર આપ્યા હોઇ તેને હાલ પૈસાની જરૂર હોઇ આ પૈસાની તે ઉઘરાણી કરવા બહેનના ઘરે આવતાં બનેવી અને બે ભાણેજે મળી તેના પર તલવાર, લોખંડના પાઇપથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં સારવાર માટે દાખલ થયો છે.
જાણવા મળ્યા મુજબ રંગપર રહેતાં હસમુખ વલ્લભભાઇ ઉધરેજા (ઉ.વ.૩૫) પર તે ગવરીદળમાં બનેવી રાણાભાઇ હકાભાઇ કલાડીયાના ઘરે હતો ત્યારે બનેવી રાણાભાઇ અને બે ભાણેજ વિક્રમ રાણાભાઇ અને હકા રાણાભાઇએ ઝઘડો કરી તલવાર, પાઇપથી હુમલો કરતાં લોહીલુહાણ થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. એમ. એમ. શિયાળીયાએ હોસ્પિટલે પહોંચી ફરિયાદ નોંધી હતી.
ફરિયાદી હસમુખભાઈએ તેમના બહેન મુન્નીબેન અને બનેવી રાણાભાઈ કલાડીયાને અંદાજે ૫૫,૦૦૦ ઉછીના આપ્યા હતા. આ રકમ પરત માંગતા બનેવીએ તેને ગવરીદળ આવીને લઇ જવાનું કહેતાં હસમુખ ગવરીદળ આઇઓસી પ્લાન્ટની પાછળ બહેન-બનેવીના ઘરે આવ્યો હતો. અહિ પૈસા આપવાને બદલે બનેવીએ ગાળાગાળી શરૂ કરી હતી અને મામલો બિચકયો હતો. તકરાર ઉગ્ર બનતા બનેવી રાણાભાઈ અને તેમના બે પુત્રો વિક્રમ અને હેમંત ઉશ્કેરાઈ ગયા હતા. ભાણેજ વિક્રમે તલવાર જેવા હથિયારથી હસમુખભાઈના ડાબા હાથના કાંડા પર ઘા માર્યો હતો, જ્યારે બીજા ભાણેજ હેમંતે માથાના ભાગે લોખંડના પાઈપ વડે ફટકો માર્યો હતો. બનેવી રાણાભાઈએ પણ તલવાર વડે હુમલો કરતા હસમુખભાઈને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
હુમલામાં હસમુખભાઇ લોહીલુહાણ થઇ પડી જતાં તેના પત્નિએ ૧૦૮ બોલાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં કુવાડવા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા તજવીજ હાથ ધરી છે. (૧૪.૫)
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
