News of Monday, 16th February 2026
ગુજરાત હાઈકોર્ટે ઉપલેટાના નાયબ મામલતદારની ફરજ રૂકાવટની પોલીસ ફરિયાદ રદ કરવાનો કર્યો હૂકમઃ ‘સત્યમેવ જયતે' સાથે ટ્રાન્સપોર્ટર દ્વારા અધિકારીઓ સામે કાયદાકીય જંગ છેડયો

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા.૧૬: ઉપલેટા પંથકમાં રેતી પરિવહન અને દાદાગીરીના ચકચારી પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટે ‘સત્યમેવ જયતે' સમાન ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જસ્ટિસ વિમલ કે. વ્યાસે ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ આપેલા મહત્વના હુકમમાં ઉપલેટા મામલતદાર અને તેમની ટીમ દ્વારા ટ્રાન્સપોર્ટર રબારી નગાભાઈ જેતાભાઈ વાંદા સામે નોંધાવેલી પોલીસ ફરિયાદને ‘‘કાયદાકીય પ્રક્રિયાના દુરુપયોગ'' સમાન ગણીને રદ કરી દીધી છે. આ હુકમથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે ખોટા કેસનો ભોગ બનેલા નગાભાઈ વાંદાએ હવે મામલતદાર સહિતના જવાબદાર સામે વળતો કાયદાકીય પ્રહાર શરૂ કર્યો છે.
આ સમગ્ર વિવાદ ૧૪ જુલાઈ ૨૦૨૫ના રોજ શરૂ થયો હતો. ફરિયાદીના આક્ષેપ મુજબ, રોયલ્ટી પાસ સાથે ઉભેલી ટ્રકો પાસે કાર્યવાહીને બદલે માંગણી કરી હતી. જ્યારે નગાભાઈએ લાંચ આપવાનો ઇનકાર કર્યો, ત્યારે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા.
મામલો અહીં અટકયો ન હતો, ડ્રાઈવરોનું અપહરણ કરી તેમને ઉપલેટા મામલતદાર કચેરીએ ગોંધી રાખ્યા હતા. ત્યાં કચેરી અને બાજુની હોસ્ટેલની લાઈટો જાણીજોઈને બંધ કરાવી દીધી હતી અને આ ‘બ્લેકઆઉટ' વચ્ચે ડ્રાઈવરોને પ્લાસ્ટિકની પાઈપ તેમજ લાકડીઓ વડે માર માર્યો હતો.
પોતાની આ કરતૂતો અને થર્ડ ડિગ્રી ટોર્ચર છુપાવવા માટે ઉલટાનું પીડિતો સામે જ ફરજમાં રૂકાવટનો ખોટો ગુનો નોંધાવ્યો હતો. જોકે, હાઈકોર્ટે તેના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૨૧૫ મુજબ, જાહેર સેવકની ફરજમાં રૂકાવટ માટે મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરવી પડે, પોલીસે સીધી FIR નોંધવાની સત્તા નહોતી, જે કાયદાનું ઘોર ઉલ્લંઘન હતું.
ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળતા અને જસ્ટિસ એમ. આર. મેંગદેના અન્ય એક આદેશ મુજબ, પોલીસ સુપ્રિટેન્ડેન્ટ રાજકોટે હવે મામલતદાર નિખિલ મહેતા, નાયબ મામલતદાર જીતુભાઈ, મહેશભાઈ અને માર મારનાર ડ્રાઈવર ભગીરથસિંહ વાળા સામેની ફરિયાદની તપાસ કરવી પડશે. મેડિકલ પુરાવા હોવા છતાં સાચી ફરિયાદ ન નોંધનાર અને આરોપીઓને છાવરનાર પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના તમામ કસૂરવારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ટ્રાન્સપોર્ટરે આક્રમક રણનીતિ અપનાવી છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
