News of Monday, 16th February 2026
પોરબંદરની સોનાપુરી કે ભંગારનો ડેલો ?
મહાનગરપાલિકાના બિન-ઉપયોગી વાહનોના ખડકલાં : સંબંધિત જવાબદારોએ જણાવેલ કે ભંગાર વાહનો હરરાજીમાં લેવાયા છે તેનો નિકાલ કરાશે

(પરેશ પારીખ દ્વારા) પોરબંદર, તા. ૧૬ : હિન્દુ સ્મશાન ભૂમિની જગ્યામાં મહાનગરપાલિકા દ્વારા બિન ઉપયોગી વાહનોના ખડકલા કરતા આ જગ્યાની ભંગારના ડેલા જેવી હાલત થઇ ગઇ છે. મહાનગરપાલિકાના જવાબદારોએ આ ભંગાર વિષે જણાવેલ હતું કે આ બિનઉપયોગી વાહનોની હરરાજી કરવાની હોય તેના નિકાલ કરી દેવાશે.
દોઢ વર્ષથી મનપાએ સ્મશાનભૂમિની જગ્યાને ભંગારનો ડેલો બનાવી દીધો છે. જેની હરરાજી થઇ જવી જોઇએ જે મનપાની બેદરકારીને કારણે ન થતા છેલ્લા દોઢ વર્ષથી સ્મશાન ભૂમિમાં ભંગાર હાલતમાં વાહનો જોવા મળી રહ્યા છે. ફાયરબ્રિગેડના અધિકારીને આ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી ત્યાં વાહનો રાખવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની જગ્યાનું કામ ચાલતું હોવાથી વાહનો ત્યાં રખાયા હતા, બાદ જે-તે સમયે કામ પૂર્ણ થતા અને નવા વાહનોનું આગમન થતા જગ્યાના અભાવે હિન્દુ સ્મશનાભૂમિમાં જ રાખવામાં આવ્યા છે. ખરાબ હાલતમાં હોવાથી ત્યાંથી ખસેડાય તેવી સ્થિતિ ખથી તેમ જણાવ્યું હતું.
સેનીટેશન વિભાગના અધિકારી જગદીશ ભાઇએ જણાવ્યું હતું કે, જગ્યાના અભાવે ત્યાં રાખવામાં આવ્યા છે અને હરરાજીની પ્રક્રિયા હેઠળ હાલ ત્યાં રાખવામાં આવ્યા છે. ટૂંક સમયમાં તેનો નિકાલ કરવામાં આવશે.
દોઢ-દોઢ વર્ષથી સ્મશાનભૂમિની જગ્યાને ભંગારનો ડેલો બનાવવો કેટલો યોગ્ય છે ? તે પ્રશ્ન છે. ભવિષ્યમાં સ્મશાનની ભૂમિમાં મનપાના ભંગારના વાહનો ન મૂકાય અને પવિત્ર ભૂમિની જગ્યા તેની ઉપયોગીના જાળવવા માંગણી ઉઠી છે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
