News of Tuesday, 17th February 2026
મોરબી : શ્રમિકના મોત મામલે ધારાસભ્ય વિમલ ચુડાસમા મોરબીમાં, વિધાનસભામાં પ્રસન ઉઠ્વવાની ચીમકી.
લુકાસો સિરામિક કારખાનામાં ઊંચાઈએથી પટકાતા શ્રમિક વિક્રમભાઈ પાટડીયાના મોત મામલે પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો છે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ લુકાસો સિરામિક કારખાનામાં ઊંચાઈએથી પટકાતા શ્રમિક વિક્રમભાઈ પાટડીયાના મોત મામલે પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો છે. આ ઘટનામાં ન્યાયની માંગ સાથે કોળી સમાજના ધારાસભ્ય વિમલ ચુડાસમા ગત રાત્રિએ પોલીસ મથકે પહોંચ્યા હતા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા પોલીસને કડક સૂચના આપી હતી.
ઘટનાની વિગતો મુજબ ૧૧ ફેબ્રુઆરીના રોજ લુકાસો સિરામિકમાં રાત્રિના અંધારામાં અને પૂરતા સુરક્ષા સાધનો વગર જોખમી રીતે કેંચી કટિંગનું કામ કરાવતી વખતે ૨૫ ફૂટની ઊંચાઈએથી પડતા વિક્રમભાઈનું મોત નીપજ્યું હતું. આ મામલે ૧૪ ફેબ્રુઆરીએ કારખાનાના માલિક અંબારામભાઈ અને જીતેન્દ્રભાઈ સહિત જયદીપ, હિરેન અને ગોપાલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મૃતકના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી અને ત્યારબાદ પીઆઈને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જો આરોપીઓને વહેલી તકે પકડવામાં નહીં આવે તો તેઓ આ પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવશે. ધારાસભ્યએ પેનલ પીએમ અને મોતનું સાચું કારણ સ્પષ્ટ કરી જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, કારણ કે આરોપીઓએ શરૂઆતમાં આ ઘટનાને માત્ર અકસ્માત ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
