તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
પરીક્ષાની ચિંતાને બદલે નિયમિત દિન ચર્ચા અને અભ્યાસનું આયોજન કરોઃ અર્જુનભાઇ
પોરબંદરમાં તણાવ ઘટાડવા અંગે કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયક સંવાદ કર્યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૭: કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પોતાના નિવાસ્થાને ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓ સાથે સકારાત્મક અને પ્રેરણાદાયક સંવાદ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પોરબંદરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અર્જુનભાઈ મોઢવાડિયાએ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે, પરીક્ષા તણાવ ઘટે અને ભવિષ્ય માટે તેમનું વિઝન સ્પષ્ટ બને તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યુ
આ કાર્યક્રમ દરમિયાન માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું કે પરીક્ષા જીવનનો એક મહત્વપૂર્ણ પડાવ છે, પરંતુ આખું જીવન નથી, એટલે પરીક્ષાની વધુ ચિંતા કરવાની જગ્યાએ પરીક્ષા દરમિયાન નિયમિત દિનચર્યા, સમયસર અભ્યાસ અને પૂરતા આરામને પ્રાધાન્ય આપવુ જોઈએ, આમ કરવાથી તમે તણાવ ઘટાડીને વધુ આત્મવિશ્વાસ અને સકારાત્મક અભિગમ સાથે પરીક્ષા આપી સફળતા મેળવી શકશો. અંતિમ દિવસોમાં નવા વિષયો શરૂ કરવા કરતાં પુનરાવર્તન અને મોડલ પેપર ઉકેલવા વધુ લાભદાયી છે. મહત્વપૂર્ણ મુદ્દાઓ, સૂત્રો અને મુખ્ય પ્રશ્નોની યાદી બનાવી તેનું પુનરાવલોકન કરવું જોઈએ. મોડલ પેપર ઉકેલવાથી આત્મવિશ્વાસ વધે છે અને સમય વ્યવસ્થાપનનું કૌશલ્ય વિકસે છે.
અર્જુનભાઈ મોઢવાડિયાએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે પ્રશ્નપત્ર ધારણા કરતાં વધુ કઠિન લાગે તો ગભરાવાની જરૂર નથી. સૌપ્રથમ આખું પ્રશ્નપત્ર શાંતિપૂર્વક વાંચવું, સરળ પ્રશ્નોથી શરૂઆત કરવી અને સમયનું યોગ્ય વિતરણ કરવું. આત્મવિશ્વાસ જાળવવો સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે કઠિન પ્રશ્નપત્ર સૌ માટે સમાન હોય છે. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિદ્યાર્થીઓને નાના-નાના લક્ષ્યાંકો નક્કી કરીને અભ્યાસ કરવાની અને દરેક સફળતા પછી જાતને પ્રોત્સાહિત કરવાની સલાહ આપી. સાથે જ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે બોર્ડની પરીક્ષાના ગુણ મહત્વપૂર્ણ છે, પરંતુ જીવનમાં સફળતા માટે કુશળતા, સંસ્કાર અને સતત મહેનત એટલી જરૂરી છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
