News of Tuesday, 17th February 2026
મેળામાં એસટી નિગમની રેકોર્ડબ્રેક ૨.૫૦ કરોડની આવક
૩.૫૧ લાખ શ્રદ્ધાળુઓને સુખદ મુસાફરી કરાવતુ જૂનાગઢ એસટી વિભાગ

જૂનાગઢ, તા.૧૭: જૂનાગઢ ખાતે યોજાયેલ મહાશિવરાત્રી મીની કુંભ ૨૦૨૬ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી), જૂનાગઢ વિભાગ દ્વારા અદભુત આયોજન અને સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રીના મેળા દરમિયાન જૂનાગઢ એસટી વિભાગને કુલ રૂ. ૨.૫૦ કરોડ થઈ છે. સાથે જ મેળા દરમિયાન કુલ ૯૨૫૫ ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યુ હતુ. જેનો ૩.૫૧ લાખ યાત્રાળુઓએ લાભ લીધો હતો.
મેળા દરમિયાન એકપણ અકસ્માત નોંધાયો નથી તેમજ મુસાફરોની કોઈ ફરિયાદ પ્રાપ્ત થયેલ નથી. બસ સ્ટેશન વિસ્તારમાં ખિસ્સાકાતરું કે ચોરીનો પણ બનાવ નોંધાયો નથી.
તેમજ મહિલા હેલ્પ ડેસ્ક દ્વારા દિવ્યાંગ મુસાફરોને વિશેષ સહાયતા આપવામાં આવી હતી. મુસાફરો દ્વારા બસ સ્ટેશન અથવા બસમાં ભૂલાઈ ગયેલ મોબાઈલ, લેપટોપ, બેગ વગેરે વસ્તુઓ પરત સુપરત કરી કર્મચારીઓએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
બસ સ્ટેશન તથા વાઘેશ્વરી કંટ્રોલ પોઇન્ટ ખાતે CCTV, સ્વચ્છતા અને પીવાના પાણી જેવી ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી હતી. તમામ બસોમાં GPS દ્વારા સચોટ મોનીટરિંગ થકી ૧૦૦ ટકા મિકેનિકલ ફિટનેસ સાથે ખામી વિના સંચાલન કરવામાં આવ્યું હતું.
સમગ્ર મેળા દરમિયાનજ ૮૫૦ થી વધુ અધિકારીઓ, સુપરવાઇઝરો, કર્મચારીઓ તથા માન્ય સંગઠનના સભ્યોએ ૨૪ કલાક નિષ્ઠાપૂર્વક સેવા આપી મેળાને સફળ બનાવ્યો હતો. વિશાળ સંખ્યામાં મુસાફરોએ ઓનલાઇન અને કેશલેસ બુકિંગનો લાભ લીધો હતો. એમ વિભાગીય નિયામકએસ.ટી જૂનાગઢ વી. બી. ડાંગરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
