તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
જામનગરના ટાઉનહોલમાં 'કંકણાકૃતિ સૂર્યગ્રહણ' એટલે 'રિંગ ઓફ ફાયર' ના નિદર્શનનો પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન પ્રોગ્રામ યોજાયો
ગુજ કોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર -ધ્રોળ અને ખગોળ મંડળ જામનગર દ્વારા ગ્રહોની રસપ્રદ વિગતો અપાઇ : સૂર્યગ્રહણ નિહાળવા માટેના હાથવગા સાધનો પીનહોલ કેમેરા ,બોક્સ કેમેરા , ફિલ્ટર , મિરર ઇમેજ , ગ્રહણ ચશ્મા નું નિદર્શન કરાયું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૮ :ગઈકાલે તારીખ ૧૭ ફેબ્રુઆરી ના રોજ નભો મંડળમાં 'કંકણાકૃતિ સૂર્યગ્રહણ' ની ખગોળીય ઘટના સર્જાઇ હતી, જે ભારતમાં દેખાઈ ન હતી, તેમ છતાં જામનગર મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ સંસ્થાઓ દ્વારા નગરજનોને સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણ નું લાઈવ પ્રસારણ બતાવવા માટે મ્યુનિ. ટાઉનહોલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, અને ગુજ કોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર -ધ્રોળ અને ખગોળ મંડળ જામનગર તેમજ રંગતાળી ગ્રુપ દ્વારા લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે નિદર્શનના કાર્યક્રમમાં કંકણા કૃતિ સૂર્યગ્રહણ એટલે કે રીંગ ઓફ ફાયરની ઘટના નું લાઈવ પ્રસારણ નિહાળીને અનેક વિદ્યાર્થીઓ સહિતના ખગોળપ્રેમીઓ અભિભૂત થયા હતા, અને આ ઘટનાને તાળીઓથી વધાવી લીધી હતી.
ગ્રહણ એટલે શું ? તેના પ્રકાર પર પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન , ગ્રહોની રસપ્રદ વાતો , હાથવગા સાધનો જેવાકે પીનહોલ કેમેરા ,બોક્સ કેમેરા , ફિલ્ટર , મિરર ઇમેજ , ગ્રહણ ચશ્મા નું નિદર્શન કેન્દ્રના ડો સંજય પંડ્યા દ્વારા કરાવવામાં આવ્યું હતું.
'કંકણાકૃતિ સૂર્યગ્રહણ' નો પ્રારંભ બપોરે ૩.૪૫ વાગ્યા બાદ થયો હતો અને પાંચ વાગ્યા ને ૧૪ મિનિટે સંપૂર્ણ સૂર્ય ચંદ્રની પાછળ ઢંકાયો હતો, અને કંકણાકૃતિ એટલે કે બંગડી પ્રકારનો પ્રકાશિત સૂર્ય દેખાયો હતો. જે રિંગ ઓફ ફાયર ના નિદર્શન નો ટાઉનહોલ મા ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓ અને ખગોળ પ્રેમીઓએ ભરપૂર લાભ લીધો હતો, અને કંકણાંકૃતિ સૂર્યગ્રહણની ઘટનાના સાક્ષી બન્યા હતા.
ગઈકાલે તા ૧૭ ફેબ્રુઆરી ના રોજ વર્ષ ૨૦૨૬ નું પ્રથમ સૂર્ય ગ્રહણ નું સેટેલાઈટ દ્વારા જીવંત પ્રસારણ પડદા ઉપર દર્શાવવા ની વ્યવસ્થા જામનગર મહાનગર પાલિકા ના સહયોગથી મ્યુનિ. ટાઉનહોલ ખાતે કરવામાં આવી હતી. જેમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ આપણે ત્યાં પ્રત્યક્ષ દેખાવા નું ન હોવાથી ખગોળ મંડળ, રંગતાલી ગ્રૂપ તથા ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ. ડી. મહેતા જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર- ધ્રોલ દ્વારા ટાઉનહોલના વિશાળ એલ.ઇ.ડી. સ્ક્રીન પર લાઇવ ટેલિકાસ્ટ થી આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ બતાવવા ની વ્યવસ્થા કરવામાં આવી હતી.જ્યાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ એટલે કે 'રીંગ ઓફ ફાયર'ની ઘટના નિહાળીને સર્વે અભિભૂત થયા હતા.
આ નિદર્શન કાર્યક્રમ દરમ્યાન સૂર્ય ગ્રહણ તથા ચંદ્ર ગ્રહણ ના પ્રકારો,
સૂર્ય તથા ચંદ્ર ની માહિતી, ગ્રહણ થવા ના કારણો વગેરે માહિતી કિરીટભાઇ શાહ દ્વારા આપવામાં આવી હતી, જ્યારે ભુતકાળમાં થયેલા ગ્રહણો, ગ્રહણ દરમ્યાન થયેલ શોધ, ગ્રહણ દરમ્યાન વાતાવરણ માં થતા ફેરફારો વગેરે માહિતી અમિત વ્યાસ દ્વારા
આપવામાં આવી હતી.
જ્યારે ડો. સંજયભાઈ પંડ્યા દ્વારા સૂર્ય માળા ના ગ્રહો, સૂર્ય ગ્રહણ ને પ્રત્યક્ષ સલામત જોવા ના હાથ વગા સાધનો ની વિગત તથા કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ નું પડદા ઉપર નિદશૅન તથા લાઇવ કોમેન્ટ્રી તથા અવકાશ માં ગુરૂત્વાકર્ષણ ની ગેરહાજરી માં દૈનિક ક્રિયાઓ ની માહિતી આપવામાં આવી હતી.
જ્યારે તારાઓ ના અંતર માપવા ની જુદી જુદી રીતો ની માહિતી કિરીટભાઇ વ્યાસ દ્વારા આપવામાં આવી હતી, જેથી વિધાર્થીઓ સહિતના ખગોળ પ્રેમીઓ અભિભૂત થયા હતા.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી, નગરના મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, ઉપરાંત મહાનગરપાલિકાના આસી. કમિશનર મુકેશભાઈ વરણવા અને ડે. ઈજનેર મુકેશ ગોસાઈ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓના પ્રયાસોથી આ 'રિંગ ઓફ ફાયર ના નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન પરશોતમભાઈ કકનાણી ના પ્રયાસોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ માટેના નિદર્શન કાર્યક્રમ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેઓની સાથે જામનગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા સહિતના અગ્રણીઓ, અને મહાનુભાવો ઉપરાંત ખગોળ પ્રેમીઓ આ નિદર્શન કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમનો પણ આ કાર્યક્રમના સંદર્ભમાં શુભેચ્છા સંદેશો સાંપડ્યો હતો, અને તેઓએ આયોજક સંસ્થાને આવા કાર્યક્રમો કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ ખગોળીય નિદર્શન માટે ધ્રોળ ના એમ.ડી. મહેતા વિજ્ઞાન કેન્દ્રના ડો. સંજય પંડ્યા ની સાથે પંકજભાઈ ડાંગર, અને રવિભાઈ ધ્રાંગધરીયા જોડાયા હતા. ઉપરાંત જામનગર ખગોળ મંડળ ના સહયોગી એવા દિપાલી બેન પંડ્યા, કલ્પેશ સરેલીયા, દીપાબેન સોની, નિલેશભાઈ પડિયા, કપિલભાઈ સંઘવી તથા સ્મિતાબેન ભાટીયા વગેરેએ હાજરી આપી હતી.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
