તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક વિરોધ છતાં પણ ૨૧૪૧૫ જેટલા નામો કમી થઈ ગયા
૧૭,૨૭૦ જેટલા નવા નામોનો ઉમેરોઃ જિલ્લામાં કુલ ૧૩,૪૪,૮૬૦ મતદારોઃ ૧૭૨૫ BLOને કામે લગાવામાં આવ્યા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૮: ભારતના નિર્વાચન આયોગના આદેશાનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં યોજાયેલ ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ (SIR-૨૦૨૫) સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આ ઉપલક્ષમાં આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કે.એસ.યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રમુખશ્રીઓ /પ્રતિનિધિશ્રીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આખરી પ્રસિદ્ધ થયેલી મતદારયાદીની નકલો એનાયત કરવામાં આવી હતી અને યાદી સંબંધિત તેમના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકને સંબોધિત કરતા જિલ્લા ચૂંટણી અધિકારી કે.એસ.યાજ્ઞિકે જણાવ્યું હતું કે, આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં એકદમ સચોટ, પારદર્શક અને અદ્યતન મતદારયાદી તૈયાર કરવાનો હતો. આ ભગીરથ કાર્યને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે ૦૫ ERO, ૧૪ AERO અને ૨૧ Add. AEROના માર્ગદર્શન હેઠળ ૧૭૨૫ બૂથ લેવલ ઓફિસર (BLO)એ પાયાના સ્તરે પ્રશંસનીય કામગીરી કરી છે. મતદારયાદીના શુદ્ધિકરણ માટે ડબલ નોંધણી, અવસાન પામેલા કે કાયમી સ્થળાંતરિત થયેલા મતદારોના નામ નિયમોનુસાર કમી કરી અત્યંત ચોકસાઈ રાખવામાં આવી છે. મતદારયાદીની આંકડાકીય માહિતી આપતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, SIR-૨૦૨૫ પૂર્વે જિલ્લામાં ૧૪,૮૧,૯૯૧ મતદારો હતા. તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલા પ્રથમ તબક્કાના ડ્રાફ્ટ રોલમાં ૧૩,૪૪,૯૫૯ મતદારો અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન કુલ ૨૧, ૩૧૬ મતદારોનો ઉમેરો (ફોર્મ ૬ અને ૮), જ્યારે કુલ ૨૧,૪૧૫ નામો કમી કરવામાં આવ્યા છે. આમ, આજની સ્થિતિએ જિલ્લામાં કુલ ૧૩,૪૪,૮૬૦ મતદારો નોંધાયેલા છે. ખાસ કરીને ૧૮-૧૯ વર્ષના યુવાનો લોકશાહીમાં સહભાગી બને તે માટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિશેષ કેમ્પ કરવામાં આવ્યા હતા અને ટેકનોલોજીના માધ્યમથી Voter Helpline App અને NVSP પોર્ટલ દ્વારા ઓનલાઈન નોંધણી પર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોને આખરી મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી લેવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, જો હજુ પણ કોઈ પાત્રતા ધરાવતા નાગરિકનું નામ રહી ગયું હોય તો ફોર્મ ભરવાની નં-૬ ભરી શકે છે અને અપાત્ર વ્યક્તિના નામ બાબતે ફોર્મ નં-૭ દ્વારા તંત્રને જાણ કરી શકાય છે. લોકશાહીના આ મહાપર્વમાં કોઈ પણ લાયક નાગરિક મતાધિકારથી વંચિત ન રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ કટિબદ્ધ છે. બેઠકના અંતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુદીપ શાહે તમામ રાજકીય પક્ષોને મતદારયાદીની વિગતોથી માહિતગાર કર્યા હતા.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
