News of Wednesday, 18th February 2026
લાઠીના ચાવંડના આરીફભાઇની રાજકોટમાં ફોરેસ્ટની ઓફિસમાં બેફામ ધોલાઇઃ કાનનો પડદો ફાટી ગયો
વન્ય પ્રાણી સંરક્ષણ અંગેના ગુનામાં જામની મળ્યા હોઇ હાજરી પુરાવવા આવતાં મુંજકા રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં લાકડી-પાઇપથી ફટકારી હવે પછી વધુ ખરાબ હાલત કરવાની ધમકી અપાઇઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૮: રાજકોટના મુંજકા ગામ ખાતે આવેલી સામાજિક વનીકરણ રેન્જની ઓફિસમાં હાજરી પુરાવવા ગયેલા લાઠી તાબેના ચાવંડ ગામના એક શખ્સ પર ચાર ફોરેસ્ટ કર્મચારીઓએ ભેગા મળીને હુમલો કરી ઢોર માર માર્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ હુમલામાં યુવકના કાનનો પડદો ફાટી ગયો છે અને શરીરે પણ ઇજાઓ થઇ છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર લાઠીના ચાવંડ ગામે રહેતાં અને ફ્રીઝ, વોશીંગ મશીન રીપેરીંગનું કામ કરતાં આરીફભાઈ કાળુભાઈ સૈયદ (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી ફોરેસ્ટિ વિભાગના વિક્રમસિંહ પરમાર, હંસાબેન મોકરીયા, ડાંગરભાઇ અને ઝાલાભાઇ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. આરીફભાઈ સૈયદ વિરૂધ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ નોંધાયેલા એક ગુનો નોંધાયો હતો. આ ગુનામાં નામદાર કોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા. જે મુજબ દર માસની ૧ અને ૧૫ તારીખે તેમણે મુંજકા ફોરેસ્ટ ઓફિસે હાજરી પુરાવવાની હોય છે. ગત ૧ જાન્યુઆરીના રોજ સવારે ૧૦ વાગ્યે તેઓ હાજરી પુરાવવા ગયા હતા, પરંતુ અધિકારીઓ હાજર ન હોવાથી તેમને સાંજ સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા.
આરીફભાઈએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ સાંજે સાતેક વાગ્યે તેમને ઓફિસની અંદર બોલાવવામાં આવ્યા હતા. ત્યાં હાજર વિક્રમસિંહ પરમાર, હંસાબેન મોકરીયા (મેડમ), ડાંગરભાઈ અને ઝાલાભાઈ નામના કર્મચારીઓએ એકસંપ થઈને તેમને ગાળો આપી હતી. ત્યારબાદ આ ચારેય શખ્સોએ લાકડીઓ અને પ્લાસ્ટિકના પાઈપ વડે આરીફભાઈને બેફામ માર મારવાનું શરૂ કર્યું હતું. વિક્રમસિંહ અને ડાંગરભાઈએ કાનના ભાગે જોરદાર લાફા મારતા આરીફભાઈને ગંભીર ઈજા થઈ હતી.
આટલેથી ન અટકતા રાત્રે ૧૧ વાગ્યે ફરીથી પૂછપરછના બહાને બોલાવી ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. મોડી રાત્રે દોઢ વાગ્યે તેમને ધમકી આપવામાં આવી હતી કે-હવે પછી આવીશ ત્યારે આનાથી પણ ખરાબ હાલત કરીશું. ત્યારબાદ એક વ્યક્તિએ રેપિડો ટેક્સી મંગાવી આરીફભાઈને આજીડેમ ચોકડી સુધી મોકલી દીધા હતા, જ્યાંથી તેઓ માંડ માંડ ઘરે પહોંચ્યા હતા. બીજા દિવસે આરીફભાઈને અસહ્ય દુખાવો થતા તેઓ બાબરા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ગયા હતા. તબીબી તપાસમાં બહાર આવ્યું હતું કે મારને કારણે તેમના ડાબા કાનનો પડદો ફાટી ગયો છે અને ગરદન તેમજ પગના ભાગે ગંભીર સોજા અને ચામઠા પડી ગયા છે.
આ મામલે અગાઉ આરીફભાઈએ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. જેના આધારે હવે યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ બી. એસ. ચોૈહાણે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
