News of Thursday, 19th February 2026
મોરબી જિલ્લાના ટંકારાને મળશે આધુનિક 'સેવા સદન', વર્ષો જૂની હાલાકીનો આવશે અંત
આ નિર્ણયથી ટંકારાના નાગરિકોને વહીવટી કામકાજ માટે એક જ છત નીચે તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે : રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ હેઠળ નવીન મહેસૂલી ભવન (સેવા સદન) અને કર્મચારીઓ માટે વસાહતોના બાંધકામની જાહેરાત

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧૯ : ગુજરાત સરકારના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર રજૂ કરતા ટંકારા તાલુકા માટે એક મહત્વની ભેટ આપી છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ હેઠળ ટંકારા ખાતે નવીન મહેસૂલી ભવન (સેવા સદન) અને કર્મચારીઓ માટે વસાહતોના બાંધકામની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી ટંકારાના નાગરિકોને વહીવટી કામકાજ માટે એક જ છત નીચે તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
વહીવટી સરળતા અને લોકસુવિધા પર ભાર સરકારના આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ અપાવવાનો છે. ટંકારામાં નવું મહેસૂલી ભવન બનતા હવે મામલતદાર કચેરી, સબ-રજિસ્ટ્રાર (દસ્તાવેજ નોંધણી), જમીન માપણી કચેરી, ટ્રેઝરી વિભાગ અને જન સુવિધા કેન્દ્ર જેવા મહત્વના વિભાગો એક જ સંકુલમાં કાર્યરત થશે.
૨૫ વર્ષ બાદ ટંકારાને મળશે પોતાનો રેકોર્ડ રૂમ ઉલ્લેખનીય છે કે, ૧૯૯૮માં ટંકારા તાલુકો બન્યા બાદ મામલતદાર કચેરી અસ્તિત્વમાં આવી હતી, પરંતુ ૨૦૦૧ના ભૂકંપમાં તે જર્જરિત થઈ ગઈ હતી. અત્યાર સુધી પરિસ્થિતિ એવી હતી કે: ઘણા મહત્વના દસ્તાવેજો અને રેકોર્ડ હજુ પણ મોરબી તાલુકા કે પ્રાંત કચેરી હસ્તક હતા. નવા ભવનના નિર્માણ સાથે હવે ટંકારાનો પોતાનો આધુનિક રેકોર્ડ રૂમ તૈયાર થશે.સ્થાનિક ખેડૂતો અને જમીન માલિકોએ હવે દસ્તાવેજો કે જમીન માપણીના કામ માટે મોરબી સુધી લાંબા નહીં થવું પડે.કર્મચારીઓ માટે પણ રહેઠાણ (વસાહતો) માટે પણ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. જેનાથી તાલુકા મથકે અધિકારીઓ અને કર્મચારીઓની હાજરી સુનિશ્ચિત થશે અને કામગીરીમાં વધુ વેગ આવશે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
