<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

પોરબંદરમાં મેગા ડીમોલેશનઃ પ કરોડથી વધુ રકમના ગેરકાયદેસર દબાણો હટાવાયા

મહાનગર પાલિકાના કમિશનર એચ.જે.પ્રજાપતિ તથા કલેકટર એસ.ડી.ધાનાણીની સુચનાથી પોલીસ બંદોબસ્‍ત સાથે કાર્યવાહી સરકારી પડતર જમીન ઉપર વિવિધ પાકોનું વાવેતર કરી નાખ્‍યું હતું: નોટીસો છતા સ્‍વૈચ્‍છાએ પેશદકમી હટાવાય ન હોતી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૯: મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્‍ત ઉપક્રમે શહેરી વિસ્‍તારમાં સરકારી તથા મહાનગર પાલિકાની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી મહાનગરપાલિકાના વહીવટદાર અને કલેક્‍ટરશ્રી એસ.ડી. ધાનાણી તેમજ કમિશનરશ્રી એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન અને સુચના અનુસાર અમલમાં મુકવામાં આવી હતી. અને પ કરોડથી વધુ સરકારી જમીનો ખૂલી કરાઈ હતી.

બોખીરા વિસ્‍તારમાં આવેલ રેવન્‍યુ સર્વે નં. ૮૧૭ તથા જુના સર્વે નં. ૬૦૩ પૈકીની જમીન પર ગેરકાયદેસર રીતે પેશકદમી કરવામાં આવી હતી. જમીનના અમુક ભાગ પર ગેરઅધિકળત બાંધકામ તેમજ ખેતી પ્રવળત્તિ હાથ ધરાઈ હતી, જેમાં ઘઉં, મેથી તથા ડુંગળી જેવા પાકોનું વાવેતર સરકારી પડતર જમીન પર કરવામાં આવેલ હતું. જાહેર હિત અને શહેરી વિકાસને ધ્‍યાનમાં રાખી તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૧૫ કલાકથી ૧૨:૨૫ કલાક દરમિયાન બે જે.સી.બી. મશીનો તથા બે ટ્રેક્‍ટર સહિત જરૂરી સાધનસામગ્રીના ઉપયોગથી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સમગ્ર કામગીરી દરમિયાન કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો. આ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારીશ્રી સંદીપ જાદવ, મામલતદારશ્રી બી.વી. સંચાણીયા, મહાનગરપાલિકાના એસ્‍ટેટ અધિકારીશ્રી હિતેશ ગોરસિયા, સેનિટેશન અધિકારીશ્રી જગદીશ ઢાંકી, જયેશભાઈ પરમાર, રાજ ગોહિલ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહી કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

આ સંયુક્‍ત દબાણ હટાવ કાર્યવાહીમાં સરકારી પડતર જમીનના ૮,૨૮૦ ચો.મી. તથા મહાનગરપાલિકાની ૨,૧૩૦ ચો.મી. મળી કુલ ૧૦,૪૧૦ ચો.મી. જમીન ગેરકાયદેસર દબાણમાંથી મુક્‍ત કરાવવામાં આવી છે, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા પાંચ કરોડથી વધુ થાય છે.

શહેરી વિસ્‍તારમાં સરકારી તથા જાહેર હિતની જમીન પર થયેલ ગેરકાયદેસર પેશકદમી સામે આ પ્રકારની કાર્યવાહી આગામી સમયમાં પણ કડકાઈપૂર્વક ચાલુ રહેશે તેવું મહાનગરપાલિકા દ્વારા એક યાદીમાં જણાવ્‍યું છે.

(10:49 AM IST)