તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 19th February 2026
ઉપલેટાના ગણોદ ગામે સરકારી જમીન ઉપર પ્રાંત તથા મામલતદારનું ઓપરેશન : ૧૭ કરોડની જમીન ખુલ્લી
૩પ જેટલા દબાણકારોના દબાણ પર બુલડોઝર ફેરવી દેવાયું : ૪ાા લાખનો દંડ

રાજકોટ તા. ૧૯ : રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશના દિશાનિર્દેશમાં હાલ જિલ્લામાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કામગીરી વેગવંતી બની છે. ત્યારે ઉપલેટા તાલુકાના ગણોદ ગામમાં સરકારી જમીન પરનું દબાણ હટાવી આશરે રૂ. ૧૭ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
આ અંગે ધોરાજી નાયબ મામલતદાર શ્રી અંકીતભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉપલેટા તાલુકાના ગણોદ ગામે આવેલ સરકારશ્રી હસ્તકની સર્વે નંબર ૭૮૪ પૈકી ૧૩૧ કુલ જમીન હે. ૭૧-૭૨-૨૬ ચો.મી. માંથી હે. ૪૮-૦૧-૦૧ ચો.મી. જમીન પર કુલ ૩૧ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ હતુ.
જે અન્વયે મામલતદાર કચેરી, ઉ૫લેટા દ્વારા દબાણ કેસ ચલાવી અને નિયમાનુંસારની કાર્યવાહી કરાઈ હતી. ત્યારબાદ હુકમ મુજબ દબાણદારોને નોટિસ આપી દબાણ ખુલ્લુ કરવા જણાવવામાં આવ્યું હતું. દબાણકર્તાઓ સમય મર્યાદામાં દબાણ ખાલી ન કરતા ગત રોજ તા.૧૮/૦૨/૨૦૨૬ ના રોજ નાયબ કલેક્ટર, નાગાજણ તરખાલા, ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા તથા નાયબ મામલતદાર, રેવન્યુ સ્ટાફ તેમજ પોલીસની ટીમ મળી કુલ ૧૫ થી વધુ કર્મચારીઓ દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી.
દબાણ હટાવ કામગીરી માટે ચાર જે.સી.બી., પાંચ રોટાવેટર તથા અન્ય સાધનોની મદદથી ૩૦૦ વીઘાથી વધુ જમીન પર થયેલું દબાણ દૂર કરી સરકાર હસ્તકની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જેની બજાર કિંમત આશરે રૂ. ૧૭ કરોડથી વધુ હોવાનું વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે. વધુમાં દબાણકારોને સજા રૂપે રૂ. ૪,૪૨,૦૩૦ (ચાર લાખ બેતાલીસ હજાર ત્રીસ રૂ) નોં દંડ પણ કરવામાં આવેલ છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
