<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

જામનગરની ૧૦ વર્ષની બાળા પાસે બિભત્‍સ માંગણી કરનાર આરોપીને ૩ વર્ષની સખત કેદની સજા - દંડ

પ્રવીણ બાબુભાઇ મંડલી નામના એક ઈસમે સાયકલ લઈને ભોગ બનનાર બાળાનો પીછો કર્યો હતો અને રસ્‍તામાં બિભત્‍સ માંગણી કરી હતી ત્‍યારબાદ પોલીસ ફરિયાદ કરીને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૯:  જામનગરની ૧૦ વર્ષની સગીર બાળા પાસે બિભત્‍સ માંગણી કરનાર આરોપી ને જામનગરની સ્‍પે. અદાલતે ૩ વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ ફરમાવ્‍યો છે.

આ કેસની વિગત એવી છે કે સને ૨૦૨૩ની સાલમાં જનતા ફાટક પાસે, જામનગર માં રહેતા ફરીયાદીની સગીર વયની પુત્રી ઉ.વ. ૧૦ અને દોઢ માસની સવારે ૭પ્ર૩૦ વાગ્‍યે ચાલીને પોતાની શાળાએ જતી હતી ત્‍યારે પ્રવીણ બાબુભાઇ મંડલી નામના એક ઈસમે સાયકલ લઈને આ ભોગ બનનાર બાળાનો પીછો કર્યો હતો.

તેણીને રસ્‍તામાં રોકી સાયકલ ઉપરથી નીચે ઉતરી પોતાના  બીભત્‍સ માંગણી કરી હતી. જે ભોગ બનનાર બાળા ડરીને ત્‍યાં મંદિરમાંથી નીકળતા ઈસમને વાત કરતાં આ ઈસમે આરોપી પ્રવીણ ને પકડી લઈ સ્‍કુલે લઈ ગયેલાં અને ત્‍યાં પ્રિન્‍સીપાલને તથા ભોગ બનનાર બાળાના પિતાને ફોન કર્યા બાદ ૧૦૦ નંબર ઉપર ફોન કરતાં પોલીસ પણ આવી ગઇ હતી, અને પોલીસે આરોપીને પોલીસ સ્‍ટેશને લઈ ગયા હતા.

ત્‍યારબાદ આ અંગેની ફરીયાદ ભોગ બનનાર બાળાના પિતાએ સીટીપ્રસી ડિવી. પોલીસ સ્‍ટેશનમાં નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી અદાલતમાં રજુ કર્યો હતો. ત્‍યારબાદ આગળની કાર્યવાહી કરી આ ગુનાનું ચાર્જશીટ તૈયાર કરી  જામનગરની સ્‍પે. પોકસો અને રેપ અદાલતમા રજુ કરવામાં આવ્‍યું હતું.

ત્‍યારબાદ આ કેસ બોર્ડ ઉપર ચાલવા ઉપર આવતા આ કેસના જામનગરના આસી. સરકારી વકીલ મુકેશભાઈ પી. જાનીએ સરકાર તરફે કુલ ૧૦ દસ્‍તાવેજી પુરાવા રજુ કરેલાં હતા, અને ભોગ બનનાર બાળા સહીત કુલ આઠ મૌખીક પુરાવાઓ પણ રજુ કર્યા હતા, અને ત્‍યારબાદ કોર્ટે કાયદાકીય કાર્યવાહી કરી આરોપીના વકીલની દલીલો તથા સરકારી વકીલશ્રીની દલીલો સાંભળીને આરોપીને પોકસોની કલમ ૧૨ મુજબ ૩ વર્ષની સખત કેદ તથા રૂા. ૧૦,૦૦૦ નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ ૪ માસની સાદી કેદની જેલ સજાનો હુકમ કરેલ છે. તેમજ  ભોગ બનનાર બાળાને રૂા. ૨,૦૦,૦૦૦ નું વળતર સરકારની યોજના હેઠળ આપવાનો હુકમ કર્યો છે.(૨૩.૨૮)

(3:44 PM IST)